
મોરબી: રાજકોટ – મોરબી હાઇવે ઉપરની હોટેલમાં જુગારનો દરોડો પાડીને કથિત રીતે લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં તત્કાલીન બે પોલીસ અધિકારીઓને જિલ્લા સત્ર ન્યાયાલયે ફરારી જાહેર કર્યા હતા અને કોર્ટે બંને આરોપીને આગામી ૩૦ દિવસની અંદર તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ ઘણા સમયથી પોલીસના અનેક પ્રયાસો બાદ પણ બંને આરોપી મળી આવ્યા નથી.
મળતી વિગતો અનુસાર રાજકોટ-મોરબી હાઇવે ઉપરની હોટેલમાં જુગારનો દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા નવ લોકોને પકડ્યા હતા. આ કેસને ત્યાં જ પતાવી દેવા માટે તત્કાલીન પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીએ મોટો તોડ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ બહુચર્ચિત ટંકારા જુગાર રેડ કેસમાં કથિત રીતે તોડ કરવાના આરોપસર તત્કાલીન પીઆઇ અને હેડ કોન્સટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના અનેક પ્રયાસો છતાં બંને આરોપીઓ મળી આવ્યા નહોતા.
આ બનાવ બાદ બંને અધિકારીઓને ફરજ મોકૂફ કરીને બંનેની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ, ૧૨ ડિસેમ્બરના રોજ એસએમસીએ આ બંને અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ બંને સરકારી કર્મચારીઓએ ખોટા પુરાવાને સાચા તરીકે રજૂ કરીને ૫૧ લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો હતો.
આપણ વાંચો: રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક
હાલમાં આ કેસની તપાસ લીંબડીના ડીવાયએસપીને સોંપાવામાં આવી છે પરતું આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આથી મોરબી જિલ્લા સત્ર ન્યાયાધીશ અને વિશેષ એસીબી કોર્ટે હવે આ બંને આરોપીઓને ફરારી જાહેર કરીને ૩૦ દિવસની અંદર તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આઆદેશ આપવામાં આવ્યો છે.