અમદાવાદટોપ ન્યૂઝ

રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીમાં રેતી ખનન માફિયાઓએ કોઈ કસર છોડી નથી. અહિ સાબરમતી નદીના પટમાં થતી રેતી ચોરી અટકાવવા માટે ગયેલી ગાંધીનગર ભુસ્તર તંત્રની ક્ષેત્રિય ટીમને પણ રેતી માફિયાઓએ અડચણ ઉભી કરી હતી. બાદમાં પોલીસની મદદ લેવામાં આવી હતી અને ત્રણ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા.

ભુસ્તર તંત્રની ટીમને તપાસ કરતાં અટકાવાય

મળતી વિગતો અનુસાર ચોક્કસ બાતમીના આધારે સાબરમતી નદીમાં થતા રેતી ખનન પર કાર્યવાહી કરવા માટે ગયેલી ગાંધીનગર ભુસ્તર તંત્રની ક્ષેત્રિય ટીમને પણ રેતી માફિયાઓએ કાર્યવાહી કરતા અટકાવી હતી. ગાંધીનગર કચેરી ખાતેથી મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેકટર સહિતની ટીમ તપાસ માટે ગઇકાલે સાબરમતી પટમાં પહોંચે તે પહેલા જ રેતી માફિયાઓને તેની જાણ થઈ જતા માર્ગમાં કાંટા, ઝાડીઝાંખરા તથા નંબર વગરના ટ્રેક્ટર ઉભા રાખી દેવામાં આવ્યા હતા કે જેથી ભૂસ્તર વિભાગની ટીમ નદીના પટ સુધી ન જઈ શકે.

અંતે પોલીસની લેવાય મદદ

જો કે ભૂસ્તર વિભાગની ટીમે આ મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ તપાસ બાદ સંતાડેલા ત્રણ હિટાચી અને હુન્ડાઇ કંપનીના મશીનને જપ્ત કરવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ નદીના પટમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન માટે કરવામાં આવતો હતો

સુરેન્દ્રનગરમાં સફેદ માટીના ખનન પર દરોડો

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના થાનગઢના વિજળીયા ગામે ડેપ્યુટી કલેક્ટરની ટીમે ગેરકાયદેસર સફેદ માટીના ખનન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ખનનમાં વપરાતા બે હિટાચી મશીન, બે પાટલા, બે ડમ્પર, સાત મોબાઈલ અને અન્ય સાધનો મળી કુલ અંદાજે અઢી કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજુભાઈ કુમરખાણીયા અને તેના સાથીદારો ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અચાનક દરોડાથી માટી ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો…ઘેડને જળબંબાકાર થતો અટકાવવા સ્થાનિકોની નદીઓ ઊંડી કરવાની માંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button