
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રામાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર નકલી દસ્તાવેજોના આધારે ઘોડા કે ખચ્ચરની સુવિધા આપવા બદલ બે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પુરન સિંહ નીકળ્યો મનીર હુસૈન
પોલીસે શ્રી ગીતા માતા મંદિર પાસે એક વ્યક્તિને રોક્યો હતો. જે ખુદને પુરન સિંહ બતાવતો હતો. તપાસમાં તેનું અસલી નામ મનીર હુસૈન હોવાનું સામે આવ્યું હતું. તે કોઈ અન્ય વ્યક્તિના ઓળખ પત્રનો ગેરકાયદે ઉપયોગ કરીને પોની સેવા આપતો હતો. પોલીસે જણાવ્યું કે, આ મામલે કટરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આવો જ બીજો કિસ્સો બનગંગા પુલ નજીક સામે આવ્યો હતો. જમ્મુ જિલ્લાના કોટલી ગામનો રહેવાસી સાહિલ ખાન કોઈપણ જાતના માન્ય લાયસન્સ વગર પોની સેવા ચલાવતા પકડાયો હતો. પૂછપરછ દરમિયાન તેણે તેની પાસે કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે તેની સામે પણ એફઆઈઆર નોંધી હતી.
પોલીસે કરી આ અપીલ
પોલીસના જણાવ્યા અનુસાર વૈષ્ણો દેવી મંદિર પર ગેરકાયદે ગતિવિધિ પર રોક લગાવવા માટે દેખરેખ અને વેરિફિકેશન અભિયાન સતત ચાલુ રહેશે. પોલીસે તમામ સર્વિસ પ્રોવાઈડરને માન્ય દસ્તાવેજો તેમની સાથે રાખવાની અપીલ કરી હતી. તેમજ આમ આદમીને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો સૂચના આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો…ભારતની જવાબી કાર્યવાહીનો પાકિસ્તાનમાં ફફડાટ, એલઓસી પર સૈનિકો વધાર્યા, જવાનોને બંકરમાં રહેવા આદેશ