IPL 2025

આરસીબીએ પહેલી વાર બેંગલૂરુમાં `જોશ’ બતાવ્યો

જૉશ હૅઝલવૂડની ચાર વિકેટ, બેંગલૂરુમાં પાટીદાર ઇલેવનની પ્રથમ જીત

2025ની આઇપીએલ (IPL) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે આ વખતે અહીં ગુરુવારે પ્રથમ જીત મેળવી હતી. રાજસ્થાન રૉયલ્સ (RR)નો રથ 206 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 194/9ના સ્કોર પર અટકી જતાં આરસીબીનો 11 રનથી વિજય થયો હતો.

યશસ્વી જયસ્વાલ (49 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આતશબાજીવાળી ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, જ્યારે સાથી ઓપનર અને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 16 રનની ટૂંકી ઇનિંગ્સમાં ભુવીના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં પહેલાં બે સિક્સર ફટકારીને પોતાની તાકાતનો ફરી પરચો કરાવ્યો હતો અને યશસ્વી સાથે બાવન રનની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલ (47 રન, 34 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) લડાયક ઇનિંગ્સ રમ્યો હતો. 19મી ઓવરમાં આરસીબીનો હૅઝલવૂડ (JOSH HAZZLEWOOD) હૅટ-ટ્રિક ચૂકી ગયો હતો. જોકે તેણે ચાર ઓવરમાં ચાર વિકેટનો તરખાટ મચાવ્યો હતો. બે વિકેટ કૃણાલ પંડયાને મળી હતી.

એ પહેલાં, આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન કર્યા હતા. વિરાટ કોહલી (70 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) ફરી એકવાર આ ઇનિંગ્સનો હીરો હતો. કોહલીએ સાથી ઓપનર ફિલ સૉલ્ટ (26 રન, 23 બૉલ, ચાર ફોર) સાથે 61 રનની અને પછી બે જીવતદાન મેળવનાર દેવદત્ત પડિક્કલ (50 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 95 રનની પાર્ટનરશિપ કરી હતી.

કોહલીની વર્તમાન સીઝનમાં આ પાંચમી અને બેંગલૂરુના હોમ-ગ્રાઉન્ડમાં પ્રથમ હાફ સેન્ચુરી હતી. તેના સ્કોર્સ આ મુજબ રહ્યા છેઃ 59 અણનમ, 31, 7, 67, 22, 62 અણનમ, 1, 73 અણનમ અને 70.

ટિમ ડેવિડે 23 રન કર્યા હતા, જ્યારે આરસીબીને એક્સ્ટ્રાના 20 રન મળ્યા હતા.

રાજસ્થાન વતી પેસ બોલર સંદીપ શર્માએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button