IPL 2025

તળિયાની બે ટીમ વચ્ચે ટક્કરઃ ધોનીની 400મી ટી-20 મૅચ

સીઝનમાં ટકી રહેવા ચેન્નઈનો સંઘર્ષ, હૈદરાબાદને `પ્રથમ' જીતની તલાશ

ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલની 43મી મૅચમાં પૉઇન્ટ્સ-ટેબલના તળિયાની બીજી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે એમાં જીતનારી ટીમ પ્લે-ઑફ માટેની નજીવી આશા જીવંત રાખી શકશે, જ્યારે પરાજિત ટીમ સ્પર્ધાની લગભગ બહાર થઈ જશે.

મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)ની શુક્રવારે 400મી ટી-20 મૅચ છે. ભારતીયોમાં રોહિત શર્મા 456 ટી-20 મૅચ સાથે મોખરે છે.

આ પણ વાંચો: બે મિનિટનું મૌન, હાથ પર કાળી પટ્ટી, સંગીતનો જલસો નહીં, ફટાકડા પણ નહીં અને ચિયરલીડર્સના પર્ફોર્મન્સ પણ રદ…

`આવ ભાઈ હરખા…આપણે બેઉ સરખા’ એવું આ વખતે ચેન્નઈ અને હૈદરાબાદની બાબતમાં છે. બન્ને ટીમ આઠ-આઠ મૅચ રમી છે, બે-બે મૅચ જીતી છે, છ-છ મૅચ હારી છે અને બન્નેના એકસરખા ચાર-ચાર પૉઇન્ટ છે. વધુ નવાઈની વાત એ છે કે બન્ને નિષ્ફળ ટીમનો રનરેટ લગભગ એકસરખો છે. નવમા નંબરના હૈદરાબાદનો રનરેટ -1.361 છે, જ્યારે દસમા ક્રમના ચેન્નઈનો રનરેટ -1.392 છે. બીજું આશ્ચર્ય એ છે કે ચેન્નઈમાં સીએસકે સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ક્યારેય નથી જીતી શકી.

હંમેશાં ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર મોટા ભાગની મૅચો જીતવામાં તેમ જ ચેપૉકની પિચ બરાબર પારખવામાં માહિર ચેન્નઈની ટીમ આ વખતે થાપ ખાઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ જતાં ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહેલા માહી પર કૅપ્ટન્સીનો બોજ આવી પડ્યો છે. કોલકાતા સામે 103/9નો પોતાનો લોએસ્ટ સ્કોર નોંધાવીને ચેન્નઈએ આ વખતે ખરાબ પ્રદર્શનનો મોટો પુરાવો આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button