ઉદ્ધવ અને શિંદે સેનાની દશેરા રેલી: બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે.
ગયા વર્ષના જૂન મહિનામાં શિવસેનામાં ભંગાણ પડ્યું ત્યારથી જ શિંદે જૂથ અને ઠાકરે જૂથ દ્વારા પહેલાં નામ અને ચિહ્નની લડાઈ લડવામાં આવી હતી અને હવે બંને શિંદે જૂથને મળી ગયા બાદ બાળ ઠાકરેના વિચારોના અને પાર્ટીના ખરેખરા વારસદાર કોણ છે? એ મુદ્દા પર સંઘર્ષ ચાલી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરે તેમની પાર્ટીની દશેરા રેલીને શિવાજી પાર્કમાં જ સંબોધશે, આ સ્થાનનું પરંપરાગત રીતે ઘણું મહત્ત્વ છે કેમ કે બાળ ઠાકરે આ મેદાન પર પોતાની દશેરા રેલીને સંબોધતા હતા. આ મેદાન પરથી તેઓ કાર્યકર્તાઓને જોશ અને જુસ્સો આપતા હતા.
બીજી તરફ શિંદે જૂથ દ્વારા દશેરા રેલીનું આયોજન દક્ષિણ મુંબઈના પ્રખ્યાત આઝાદ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પહેલાં એવો ગુંચવાડો હતો કે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરવાની પરવાનગી કોને મળશે, પરતું શિંદે જૂથે પોતાની અરજી પાછી ખેંચી લેતાં ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરવાની પરવાનગી મળી ગઈ હતી. ગયા વર્ષે બીકેસીના મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરનારા શિંદે જૂથે આ વર્ષે પોતાની રેલી માટે આઝાદ મેદાન પર પસંદગી ઉતારી છે.
બંને રેલી અત્યંત મહત્ત્વપુર્ણ છે કેમ કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આની સાથે જ મુંબઈ મનપા સહિત બધી જ મનપાની ચૂંટણીઓ પણ 2022થી બાકી છે.