વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ

મુંબઈ: વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં મુંબઈની 81 વર્ષની વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
વૃદ્ધા તેની 60 વર્ષની પુત્રવધૂ (જે આ કેસમાં ફરિયાદી છે) અને 39 વર્ષની પૌત્રી સાથે રહે છે, એમ ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
4 એર્પ્રિલે પરિવારના સભ્યોને અમેરિકા સ્થિત સંબંધીના નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેને તેણે નવો નંબર હોવાનું માનીને સૅવ કર્યો હતો.
આ પણ વાંચો: વેપારીએ 2.34 કરોડની ઠગાઇ આચરી: નાગપુરના ઝવેરીનો આરોપ
આરોપીએ પ્રથમ કોઇ તાકીદના કામ માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી, જે એનઇએફટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીએ બાદમાં ફરી બે લાખ રૂપિયા માગતાં વૃદ્ધાએ એ પણ 15 એપ્રિલે ટ્રાન્સફર કર્યા હતા. જોકે આરોપીએ પાંચથી સાત લાખ રૂપિયાની માગણી કરતાં પરિવારજનોને શંકા ગઇ હતી.
તેમણે એ નંબર પર કોઇ જવાબ આપ્યો નહોતો અને બાદમાં અમેરિકામાં રહેતા સંબંધીને તેના જૂના નંબર પર સંપર્ક સાધ્યો હતો ત્યારે સંબંધીએ તેમને કહ્યું હતું કે તેને કોઇ પૈસા મળ્યા નથી. આથી પોતે છેતરાયા હોવાનું તેમના ધ્યાનમાં આવતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)