આડા સંબંધની શંકા પરથી પથ્થરથી માથું છૂંદી પત્નીની હત્યા: પતિની ધરપકડ

પાલઘર: આડા સંબંધની શંકા પરથી પથ્થર માથા પર ફટકારી પત્નીની કથિત હત્યા કરવામાં આવી હોવાની વિરારમાં બનેલી ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ગુનો ઉકેલી પતિની ધરપકડ કરી હતી.
એમબીવીવી પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ શાંતારામ રેશમ ભોઈર તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને વિરાર પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વિરાર પૂર્વમાં નરેશ પાટીલની વાડી પાસેથી બુધવારની સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણે વિરાર પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
આપણ વાંચો: પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી 21 વર્ષે પકડાયો
તપાસ દરમિયાન મહિલાની ઓળખ સકુ શાંતારામ ભોઈર (50) તરીકે થઈ હતી. તે વિરાર પૂર્વમાં ફૂલપાડા રોડ પરના નાગ્યા કાતકરી પાડામાં પરિવાર સાથે રહેતી હોવાનું જણાયું હતું. ભંગાર વીણવા મહિલા ઘણી વાર ઘટનાસ્થળ આસપાસના પરિવારમાં ફરતી રહેવાસીઓએ જોઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાના ગુમ થવા અને હત્યા સંબંધે તેના પતિ શાંતારામ સહિત પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. પરિવારના સભ્યોનાં નિવેદનમાં વિસંગતિ જણાઈ હતી. તપાસ દરમિયાન પતિ શંકાના ઘેરામાં આવતાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં પતિએ ગુનો કબૂલ્યો હતો. પત્નીના એ જ પરિસરમાં રહેતા એક શખસ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પતિને હતી, જેને લઈ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારની રાતે મહિલા ઘરે પાછી ન ફરતાં પતિ તેને શોધવા નીકળ્યો હતો. નરેશ પાટીલની વાડી નજીક મળેલી પત્નીએ ઘરે જવાનો ઇનકાર કરતાં પતિ રોષે ભરાયો હતો. ગુસ્સામાં મોટો પથ્થર માથા પર ફટકારી પત્નીની હત્યા કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.