આમચી મુંબઈ

આજે રાતથી એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ

મુંબઈ: એલ્ફિન્સ્ટન બ્રિજ ક્યારે બંધ થશે એ ચર્ચાઓ વચ્ચે પચીસમી એપ્રિલના રાત્રે નવ વાગ્યે (આજથી) બ્રિજ વાહનવ્યવહાર માટે ફાઇનલી બંધ થઇ જશે. પરેલ પૂર્વ અને પ્રભાદેવી પશ્ચિમને જોડનારા ૧૦૦ વર્ષ જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને શુક્રવાર રાત્રથી બંધ કરી દેવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે સર્ક્યુલર બહાર પાડ્યું છે. ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ થવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આ બ્રિજ બંધ કરવાથી નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ તથા નોકરીયાતોને મોટી મુશ્કેલી પડી શકે છે તેથી પહેલા પર્યાયી માર્ગો ઉપલબ્ધ કરાવો ત્યાર પછી જ બ્રિજ બંધ કરો એવી માગણી નાગરિકો અને શિવસેના તરફથી કરાઇ રહી હતી.

આ પણ વાંચો: મુંબઈનો વધુ એક અંગ્રેજોના જમાનાનો બ્રિજ 2 વર્ષ માટે બંધ

ટ્રાફિક પોલીસે પણ નાગરિકોની માગણીને ધ્યાનમાં રાખીને આઠમી એપ્રિલે સર્ક્યુલર બહાર પાડીને તેમની પાસેથી જ ૧૩મી એપ્રિલ સુધી સલાહ-સૂચનો મગાવ્યા હતા. આ સલાહ-સૂચનો પર વિચાર કરીને ટ્રાફિક વિભાગ દ્વારા એલ્ફિન્સ્ટન બ્રિજ શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વૈકલ્પિક માર્ગો પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે

  • દાદર પૂર્વ તરફથી પશ્ચિમ તરફ તથા દાદર માર્કેટ તરફ જવા માટે વાહનોએ ટિળક બ્રિજનો ઉપયોગ કરવો.
  • પરેલ પૂર્વ તરફથી પ્રભાદેવી તથા લોઅર પરેલ તરફ જનારા વાહનચાલકોએ કરી રોડ બ્રિજનો ઉપયોગ કરવો. (સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી)
  • પરેલ, ભાયખલા પૂર્વ તરફથી પ્રભાદેવી, વરલી, કોસ્ટલ રોડ તથા સી-લિંકના દિશે જનારા વાહનોએ ચિંચપોકલી બ્રિજનો ઉપયોગ કરવો.

પશ્ચિમ તરફથી પૂર્વ તરફ જવા માટે

  • દાદર પશ્ચિમથી પૂર્વ તરફ આવનારા વાહનોએ ટિળક બ્રિજનો ઉપયોગ કરવો.
  • પ્રભાદેવી તથા લોઅર પરેલ પશ્ચિમ તરફથી પરેલ, ટાટા હોસ્પિટલ તથા કેઇએમ હોસ્પિટલ તરફ જનારા વાહનોએ કરી રોડ બ્રિજનો ઉપયોગ કરવો. (બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી)
  • કોસ્ટલ રોડ તથી સી-લિંકને તથા પ્રભાદેવી, વરલીથી પરેલ, ભાયખલા પૂર્વ તરફ જનારા વાહનનોએ ચિંચપોકલી બ્રિજનો ઉપયોગ કરવો.

એમ્બ્યુલન્સ માટેની વ્યવસ્થા

પરેલ તથા પ્રભાદેવી વિસ્તારના નાગરિકો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં હોસ્પિટલ જવા-આવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) તરફથી બે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક એમ્બ્યુલન્સ પ્રભાદેવી રેલવે સ્ટેશનના પશ્ચિમ છેડે ફૂટઓવર બ્રિજ પાસે તથા બીજી એમ્બ્યુલન્સ પરેલ રેલવે સ્ટેશનના પૂર્વ છેડે ઉપલબ્ધ હશે. એમ્બ્યુલન્સ સાથે દર્દીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button