પિતાના લોહીથી રંગાયેલા વસ્ત્રો પહેરી આશાવરીએ પિતાને આપ્યો મુખાગ્નિ
અંતિમયાત્રામાં જોડાયેલા હજારો લોકોના ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારાથી સ્મશાન ગૂંજી ઉઠ્યું

પુણે: આતંકવાદીઓના ગોળીબારમાં લોહીલુહાણ થયેલા કપડાં પહેરીને અને દિલમાં એ ઘટનાની આગ ધગધગતી રાખીને આશાવરીએ પિતા સંતોષ જગદાળેને અંતિમવિદાય આપી ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા હજારો લોકોના ‘પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના નારાઓથી સ્મશાન ગૂંજી ઊઠ્યું હતું. લોકોની આંખો ભીની હતી, પણ પાકિસ્તાની આતંકવાદીઓ સામેનો ગુસ્સો સૌના દિલમાં જોવા મળતો હતો.
પહલગામના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પુણેના બે પર્યટકના મૃતદેહને ગુરુવારે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા પુણે લાવવામાં આવ્યા હતા. પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સવારે ૫.૩૦ કલાકે સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના મૃતદેહ મૃતદેહ લાવવામાં આવ્યા હતા ત્યારે નાગરી ઉડ્ડયન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોલ પણ હાજર રહ્યા હતા.
આપણ વાંચો: મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ
કૌસ્તુભ અને તેની પત્ની સંગીતા ગણબોટે તથા સંતોષ અને તેની પત્ની પ્રગતી જગદાળે અને તેમની દીકરી આશાવરી કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં કૌસ્તુભ અને સંતોષ ત્રાસવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા. જગદાળે અને ગણબોતેની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
તંકવાદીઓએ ગોળીબાર કર્યો અને પિતાને લોહીલુહાણ હાલતમાં દીકરીએ પિતાને ગળે લગાવ્યા. દીકરીના વસ્ત્રો પિતાના લોહીથી રંગાઇ ગયા અને એ જ વસ્ત્રો પહેરીને આશાવરીએ પિતાને અંતિમ વિદાય આપી હતી. નવી પેઠ વિસ્તારના વૈકુંઠ ખાતેના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં ગણબોટે અને જગદાળે એમ બન્ને મિત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક તસવીર, પત્ની આંખ સામે નેવી ઓફિસરની હત્યા
કૌસ્તુભ ફરસાણનો વ્યવસાય કરતો હતો અને ભાગ્યે જ તેને પોતાના કામમાંથી ફુરસત મળતી હતી. આવું પ્રથમ વખત બન્યુ હતું જ્યારે તે અને તેની પત્નીએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. તે મિત્ર સંતોષ અને તેની પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા, એમ ગણબોતેના બાળપણના મિત્ર સુનીલ મોરેએ જણાવ્યું હતું.
ગણબોટે રાસ્તા પેઠ પર નાનકડા ઘરમાં રહેતો હતો, પરંતુ તાજેતરમાં જ કોંઢવા-સાસ્વડ રોડ પર પોતાનું ઘર બાંધ્યું હતું અને ત્યાં જ તેની ફરસાણની ફેક્ટરી હતી. તે હાલમાં જ દાદા બન્યો હતો અને તે બહુ જ ખુશ હતો. સંતોષ હંમેશા તેના ફરસાણના ઉત્પાદનોના માર્કેટિંગમાં મદદ કરતો હતો, એમ મોરેએ વધુમાં જણાવ્યું હતું.