મનોરંજનમહારાષ્ટ્ર

સતારામાં રિતેશ દેશમુખની ફિલ્મનો ડાન્સર નદીમાં ડૂબી ગયો; બે દિવસે લાશ મળી

મુંબઈ: અભિનેતા-દિગ્દર્શક રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની કોરિયોગ્રાફી ટીમનો ૨૬ વર્ષીય ડાન્સર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કૃષ્ણા નદીમાં એક ગીતનું શૂટિંગ પૂરું કર્યા પછી ડૂબી ગયો હતો. મૃતકની ઓળખ સૌરભ શર્મા તરીકે થઈ છે, ગુમ થયાના બે દિવસ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે,આ ઘટના મંગળવારે સાંજે મુંબઈથી લગભગ ૨૫૦ કિમી દૂર સતારા જિલ્લામાં કૃષ્ણા અને વેન્ના નદીઓના સંગમ પર સ્થિત એક ગામ સંગમ મહુલી ખાતે બની હતી, જ્યાં ‘રાજા શિવાજી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. રંગો ઉડાડવાના એક દ્રશ્યનું શૂટિંગ પૂરું કર્યા પછી, શર્મા કૃષ્ણા નદીમાં હાથ ધોવા ગયો હતો. હાથ ધોયા પછી, તે તરવા માટે નદીમાં ઊંડે સુધી ગયો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં તે તણાઈ ગયો હતો.

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને શર્માના ગુમ થયાની જાણ કરવામાં આવતા તરત જ આપત્તિ પ્રતિભાવ અને બચાવ ટીમો સહીત સ્થાનિક ખાનગી સંસ્થાઓના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો: રિતેશ દેશમુખ-જેનેલિયાએ લીધો મોટો નિર્ણય, માસૂમ બાળકોનો પણ વિચાર નહીં કર્યો!

મંગળવારે રાત્રે અંધારાને કારણે શોધ અને બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને બુધવારે સવારે ફરી શરૂ કરી અને આખો દિવસ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ શર્માનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ગુરુવારે સવારે લગભગ ૭.૩૦ વાગ્યે પોલીસ અને બચાવ ટીમો દ્વારા શર્માનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અધિકારીએ ઉમેર્યું હતું કે સતારા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત મરાઠી અને હિન્દી માં બનનારી ફિલ્મ ‘રાજા શિવાજી’નું દિગ્દર્શન અભિનેતા રિતેશ દેશમુખ કરી રહ્યા છે, જે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહ્યા છે.
પીટીઆઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button