આમચી મુંબઈ

ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરુ થશે

મુંબઈ: મુંબઈવાસીઓને આરામદાયક અને ઝડપી મુસાફરી પ્રદાન કરવા માટે જાહેર પરિવહન માળખામાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે,તેનો પહેલો તબક્કો ચાલુ થયા બાદ હવે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ને વરલીના આચાર્ય અત્રે ચોક સાથે જોડતો બીજો તબક્કો ૨એ ટૂંક સમયમાં કાર્યરત થવા જઈ રહ્યો છે.

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ બુધવારે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી.

આપણ વાંચો: મુંબઈમાં વધુ એક મેટ્રો માટે મહત્ત્વના સમાચાર, એન્જિનિયરિંગ ક્ષેત્રે કરી કમાલ

ભીડેએ જાહેરાત કરી હતી કે પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી મંજૂરીની રાહ જોવાઈ રહી છે, જે આગામી બે દિવસમાં અપેક્ષિત છે. એકવાર પ્રમાણિત થયા પછી, બીજો તબક્કો મુંબઈના વિસ્તરતા મેટ્રો નેટવર્કમાં નવીનતમ ઉમેરો કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, ૬୦ કિલોમીટર પહેલાથી જ કાર્યરત છે અને મુંબઈનો મેટ્રો ફૂટપ્રિન્ટ ટૂંક સમયમાં મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં ૩૭૪ કિલોમીટર સુધી વિસ્તરશે અને એકવાર બધા આયોજિત કોરિડોર કાર્યરત થઈ ગયા પછી, દરરોજ લગભગ એક કરોડ મુસાફરોને લાભ થશે.

હાલ કોઈ સત્તાવાર ઉદ્ઘાટન તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અટકળો મુજબ ૧ મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે અથવા ૨ મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈની અપેક્ષિત મુલાકાત દરમિયાન ઉદ્ઘાટન થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button