પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ફેનકોડે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યું

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી, અટારી સરહદ બંધ કરવાની સાથે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ દરમિયાન ભારતમાં પાકિસ્તાનમાં ચાલી રહેલી ક્રિકેટ લીગ પીએસએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો છે. પીએસએલના સત્તાવાર ડિજિટલ બ્રોડકાસ્ટર ફેનકોડ એપે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે પીએસએલ મેચો હવે ભારતમાં જોઈ શકાશે નહીં.
પીએસએલ આ મહિને 11 એપ્રિલે શરૂ થઇ
આ અહેવાલ અનુસાર, ફેનકોડ એ આજથી એટલે કે 24 એપ્રિલથી ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન ક્રિકેટ સુપર લીગ પીએસએલ 2025નું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થવાની શક્યતા છે. હાલમાં ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની સાથે, પાકિસ્તાનમાં સુપર લીગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએસએલ આ મહિને 11 એપ્રિલે શરૂ થઇ છે. જેની બધી મેચો ઓટીટી પ્લેટફોર્મ ફેનકોડ પર પ્રસારિત થઈ રહી છે.
આ પણ વાંચો: સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?
ડિજિટલ વ્યૂઅરશિપમાં ભારે ઘટાડો થવાની સંભાવના
ફેનકોડના આ નિર્ણય પછી પાકિસ્તાન સુપર લીગના ડિજિટલ વ્યૂઅરશિપમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. જેની સીધી અસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આવક પર પડશે.
આતંકવાદી હુમલાનો સમગ્ર વિશ્વમાં ભારે વિરોધ
પહેલગામમાં થયેલા આ મોટા આતંકવાદી હુમલાનો સમગ્ર વિશ્વમાં ભારે વિરોધ થયો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામના મુખ્ય પર્યટન સ્થળ બૈસરનમાં આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં 26 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે.આ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2019 માં પુલવામા આતંકવાદી હુમલા પછી આ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.