જજે રામચરિત માનસની ચોપાઇ સંભળાવીને આપ્યો ચુકાદો…
કોટા: રાજસ્થાનના કોટામાં પોતાની જ પુત્રી પર બળાત્કારના કેસમાં કોર્ટે પિતાને આજીવનકેદની સજા 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શનિવારે કોર્ટ નંબર 3ના ન્યાયાધીશ દીપક દુબેએ ચુકાદો આપતાં રામચરિત માનસમાંથી એક ચોપાઇ લખીને સંભળાવી હતી ત્યારબાદ પિતાને દોષિત જાહેર કર્યા હતા. સરકારી વકીલ લલિત કુમાર શર્માએ કહ્યું કે કોર્ટે 15 પેજનો ચુકાદો આપ્યો છે.
આ ચોપાઇનો અર્થ એવો થાય છે કે ‘જો કોઈ વ્યક્તિ તેના નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અથવા પુત્રીને ખરાબ નજરથી જુએ તો તેની હત્યા કરવામાં કોઈ પાપ નથી’. ન્યાયાધીશ દીપક દુબેએ કહ્યું હતું કે કળિયુગનો બાપ ભૂલી ગયો કે આ તેની સગી દિકરી છે. અને તેની દિકરી આજીવન આ પીડામાંથી મુક્ત નહી થઇ શકે.
કોર્ટ પીડિતાની માતાની હિંમતનું સન્માન કરે છે. ખૂબ જ પછાત જનજાતિમાંથી હોવા છતાં તેણીએ તેની માસૂમ પુત્રીનું દર્દ સમજીને કાયદાકીય કાર્યવાહી કરી અને પોતાના પતિને સજા અપાવવામાં તે આગળ આવી. પીડિતાની માતા પોતે અત્યંત ગરીબ છે અને મજૂરી કામ કરે છે. તેના ત્રણ બાળકોના ભરણપોષણ માટે તે તેના પતિ પર નિર્ભર હતી. તેમ છતાં તે પોતાના પતિને સજા અપાવતા સહેજ પણ ખચકાઇ નહોતી. આ ઉદાહરણ સમાજને એક દીવાદાંડી જેવો સંદેશ આપે છે કે અન્યાય કરનારાઓ ભલે ગમે તે હોય તેમની સામે લડત આપવી જ જોઇએ.
સરકારી વકીલે જણાવ્યું હતું કે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં 9 માર્ચ, 2023ના રોજ રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો કે આરોપીએ તેની સગીર પુત્રી પર 19, 20 ડિસેમ્બર 2022 અને 26 જાન્યુઆરી 2023ના રોજ બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા પણ તે આવી હરકતો કરતો રહ્યો છે. તપાસ દરમિયાન પોલીસે 1 મે, 2023ના રોજ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી તેમજ 11 સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તેના આધારે જ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.