ભારત સરકારના આકરા નિર્ણયથી પાકિસ્તાન શેરબજાર ધડામ, 2. 12 ટકાનો ઘટાડો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં આક્રોશ છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે પર પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લેવાની શરૂઆત કરી છે. જેની બાદ આજે ખુલતાની સાથે જ પાકિસ્તાની શેરબજાર ક્રેશ થઈ ગયું. ગુરુવારે શરૂઆતના ટ્રેડમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ માં ભારે ઘટાડો નોંધાયો હતો. પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ 2485.85 એટલે કે 2.12 ટકા ઘટીને 1,14,740.29 પોઈન્ટ પર આવી ગયો હતો.
પાકિસ્તાન શેરબજારમાં વેચવાલીથી હાહાકાર
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવની સીધી અસર પાકિસ્તાનના શેરબજારના રોકાણકારો ભોગવી રહ્યા છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ આડેધડ વેચાણ શરૂ કરી દીધું.જેના કારણે બજારમાં ગભરાટ ફેલાયો.
પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયોની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, વાઘા-અટારી સરહદ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક હેઠળ વિઝા મુક્તિ રદ કરવી શામેલ છે. સિંધુ નદીનું પાણી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે મોટાભાગે આ પાણી પર નિર્ભર છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત: વાન ખીણમાં પડતા 16નાં મોત, 30 ઇજાગ્રસ્ત