ઘેડને જળબંબાકાર થતો અટકાવવા સ્થાનિકોની નદીઓ ઊંડી કરવાની માંગ

અમદાવાદઃ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ છેલ્લા ત્રણ દાયકાથી વગર વરસાદે જળબંબાકાર થઈ રહ્યો છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિ ભારે વરસાદના કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે છે. આ કારણે ઘેડ વિસ્તારમાં વગર વરસાદે ચારેબાજુ પાણી જ પાણી જોવા મળે છે. ઘેડની આ સમસ્યાને લઈ સ્થાનિકો થોડા સમયથી લડત લડી રહ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. રાજ્ય સરકારે ઘેડ વિસ્તાર માટે રૂ. 1415 કરોડ ફાળવવા પડ્યા છે.
ઘેડ પંથકમાં રહેતા લોકોના કહેવા મુજબ, દ્વારકાથી માંડી માંગરોળ સુધી 21 નદીઓ વહે છે. સૌરાષ્ટ્રમાંથી પસાર થતી આ નદીઓને ઊંડી નહીં કરવામાં આવે તો ફરી એકવાર ઘેડ પાણીમાં ગરકાવ થઈ જશે. રાજ્ય સરકારે આ માટે આગોતરું આયોજન કરવું પડશે. આ નદીઓની સપાટી છિછરી છે, જે ચોમાસામાં ખતકનાક બને છે. નદીઓનું પાણી સીધું જ ખેતરોમાં ધસી આવે છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. જો ચોમાસા પહેલા નદીઓને ઊંડી કરવામાં આવે તો વરસાદી પાણી સીધું જ દરિયામાં વહી જાય તેમ છે.
આ ઉપરાંત વિકાસની લ્હાયમાં નદીઓના વહેણનું અને પાણીના નિકાલનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી. સોમનાથ-દ્વારકા નેશનલ હાઈવે પર માત્ર આઠ સ્થળે જ પુલોમાં જગ્યા રાખવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે નહીં થઈ શકે. જો હજુ પણ નદીઓના કામને અગ્રીમતા નહીં આપવામાં આવે તો ઘેડ પંથક ફરી પાણીમાં ગરકાવ થઈ જશે.
ઈતિહાસમાં પણ છે ઉલ્લેખ
ઘેડ પંથકનો ઉલ્લેખ ઈતિહાસમાં 13મી સદીમાં થયો હોવાનું જણાય છે. આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને મોટા ભાગના લોકો ઘેડ પ્રદેશમાંથી પસાર થતી ભાદર અને તેની સહાયક નદીઓ પાસે પોતાનાં ખેતરો ધરાવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે. ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉબેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ઘેડ પંથકમાં 107 જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાય છે.
આ પણ વાંચો…અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજનું સમાર કામ શરૂ, વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા