ભારતની વીરાંગનાઓ : ભારતીય ટપાલ ટિકિટ પર પ્રથમ મહિલા: મીરાંબાઈ

-ટીના દોશી
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;
દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ…
આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને રાજસ્થાનની રાધા એવી મીરાં. સોળમી સદીમાં વ્રજ, હિંદી અને ગુજરાતી ભાષામાં પદોની રચના કરનાર મીરાં. ગુજરાતી ભાષાની પ્રથમ ભક્ત કવયિત્રી એવી મીરાં…કૃષ્ણભક્તિમાં લીન થઈને રાજરાણીમાંથી જોગણ બની ગયેલી મીરાં એક, અદ્ભુત અને અદ્વિતીય હતી. એટલે જ ભારતીય ટપાલખાતાએ આઝાદી પછી 1947માં ટપાલ ટિકિટ બહાર પાડવાનું શરૂ કર્યા પછી 1 ઓક્ટોબર 1952ના રોજ ટિકિટ પરની પ્રથમ સ્ત્રી તરીકે સંત મીરાંબાઈને સ્થાન આપ્યું. બે આનાની આ ટપાલ ટિકિટ પર મથાળે અંગ્રેજીમાં 15-16મી સદી અને એની નીચે હિન્દી ભાષામાં ‘મીરા’ એવું લખાણ જોવા મળે છે !
સંત મીરાંબાઈના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. ગુજરાતી વિશ્વકોશ અનુસાર મીરાં અંગે કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે એના આધારે મીરાંના ચરિત્ર વિશે અનુમાનો કરાતાં રહ્યાં છે.
એવું કહેવાય છે કે મીરાંનો જન્મ 1498માં રાજસ્થાનના જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકીમાં થયેલો. રાઠોડ વંશના વૈષ્ણવ ધર્મી કુટુંબમાં. માતા વીર કુમારી. પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. મીરાં એમની એકમાત્ર લાડકી દીકરી હતી. મીરાં માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે ઘેર પધારેલા સાધુએ કૃષ્ણની એક મૂર્તિ રતનસિંહને આપેલી. એ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. લગભગ એક વર્ષ પછી મીરાં ચાર વર્ષની થઈ ત્યારે મહેલના ઝરૂખામાંથી એક વરઘોડો પસાર થતો જોયો. ઘોડા પર વરરાજા સાફો બાંધીને બેઠેલો. કપાળે કંકુનો ચાંદલો, હાથમાં કલગી અને શ્રીફળ. માથે છત્રી. એ જોઈને નાનકડી મીરાંએ મા સાથે વાત કરી. વરરાજા એટલે કોણ એમ પૂછ્યું. માએ હસીને કહ્યું, જે પરણવા જાય એ વરરાજા.. મીરાંએ કહ્યું, મારો વર કોણ ? એટલે માએ કૃષ્ણની મૂર્તિ ભણી ઈશારો કરતાં કહ્યું કે, આ તારો વર… ત્યારથી મીરાંએ કૃષ્ણને મનોમન પતિ માની લીધા
થોડા સમય પછી માતા વીર કુમારીનું મૃત્યુ થયું. દાદા દુદાજીએ મીરાંનું લાલનપાલન કર્યું. રાજકુંવરીને અનુરૂપ મીરાંનું ઘડતર કર્યું. જોકે દુદાજી પોતે વૈષ્ણવ ભક્ત હતા. સવારસાંજ ભગવાનને શણગાર કરીને સજાવતા. એ જોઈને મીરાંની કૃષ્ણભક્તિ ઘેરો ગુલાલ બની ગઈ. 1515માં દાદાનું અવસાન થયું. પિતા રતનસિંહ રાજકાજમાં વ્યસ્ત હોવાથી મીરાં કૃષ્ણને શરણે હતી પણ રતનસિંહે 1516માં મેવાડના સિસોદિયા વંશના રાજકુટુંબમાં રાણા સંગ નામે જાણીતા સંગ્રામસિંહ અને કનવરબાઈના પતવી પુત્ર ભોજરાજ સાથે મીરાંને પરણાવી. એ સાસરે કૃષ્ણની મૂર્તિ પણ લેતી ગઈ.
કૃષ્ણને વરી ચૂકેલી મીરાં પતિ ભોજરાજ સાથે વાતચીતનો વ્યવહાર રાખતી, પણ એમને પતિ તરીકેનું સ્થાન આપી ન શકી. એ તો કૃષ્ણની ભક્તિ કરતી, ભજનો ગાતી અને નૃત્ય કરતી. પહેલાં તો ભોજરાજ પોતાની અવહેલનાથી અકળાયેલા, પણ પછી મીરાંની કૃષ્ણભક્તિ જોઈને એમણે મહેલમાં જ કૃષ્ણ મંદિરનું નિર્માણ કરાવેલું. જોકે લગ્નનાં પાંચ વર્ષ પછી 1521માં ભોજરાજનું મૃત્યુ થયું. ત્રેવીસ વર્ષની વયે મીરાંએ વૈધવ્ય વેઠવાના દા’ડા આવ્યા. પણ મીરાં તો જળકમળવત. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઈ ગઈ.
છ વર્ષ વીતી ગયાં. 1527માં બાબર સામેના યુદ્ધમાં સંગનો પરાજય થયો. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યાં ઈરીચ પાસે કોઈએ એને વિષ આપ્યું અને એનું અવસાન થયું. મીરાંના પિતા રતનસિંહનું પણ આ ગાળામાં અવસાન થયું.
1521માં ભોજરાજના અવસાન અને 1527માં સંગના અવસાન વચ્ચેનો સમયગાળો મીરાંના જીવનમાં માત્ર ને માત્ર કૃષ્ણભક્તિનો હતો. પણ આ જ અરસામાં રાજમાતા રતનબાઈનું પણ અવસાન થયું. કુટુંબનો કારભાર મીરાંને માથે આવ્યો. કાર્યભાર સંભાળવાની સાથે મીરાંએ રાજસ્થાની ભાષામાં કેટલાંક પદોનું સર્જન કરેલું.
એક વર્ષ પછી 1528માં સંગની પત્ની જોધપુરની ધનબાઈનો પુત્ર રતનસિંહ મેવાડના રાજપદે બિરાજ્યો. જનશ્રુતિમાં એમ છે કે રતનસિંહે પ્રથમ નાગપ્રેષણ અને પછી વિષપ્રેષણ દ્વારા મીરાંના જીવનનો અંત લાવવાના પ્રયત્નો કરેલાં. નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયેલું. મીરાં કૃષ્ણભક્ત હતી એથી કૃષ્ણે આ ચમત્કાર કરેલો એવું કહેવાય છે, પણ નિરંજન ભગતનું માનવું એવું છે કે સ્ત્રીહત્યાના પાપનો ભય હોવાથી અનુચરોએ વિષધર નાગ નહીં, પણ પુષ્પમાળા અને વિષ નહીં પણ કોઈ પીણું મીરાંને આપ્યું હશે. અને રતનસિંહના કોપથી બચવા માટે નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયું એવું ઉપજાવી કાઢ્યું હશે.
મીરાંએ 1532માં ચોત્રીસ વર્ષની વયે મેવાડનો ત્યાગ કર્યો. પોતાના પિયર મેડતા આવી. પણ જોધપુરનું રાજકુટુંબ એને મેડતામાં આશ્રય આપનાર કાકા વીરમદેવને ઉપદ્રવ કરે એ શંકાને કારણે મીરાંએ 1533માં મેડતા છોડ્યું અને કૃષ્ણભૂમિ વૃંદાવનમાં જઈ વસી. ત્રણ વર્ષ પછી, વ્રજ ભાષામાં કેટલાંક પદોનું સર્જન કર્યા પછી મીરાં વૃંદાવનથી દ્વારકા જઈ ઠરીઠામ થઈ. જનશ્રુતિમાં એમ છે કે ચમત્કારિકપણે મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયેલી અને 1547માં એના જીવન પર પરદો પડી ગયો. પરંતુ મીરાં દ્વારકા છોડ્યા પછી જીવનના અંતકાળ સુધી અજ્ઞાતવાસમાં રહી હોવાની શક્યતાઓ ઝાઝી છે. આ ગાળામાં એણે ગુજરાતીનાં ચારસો પદો સહિત મીરાંએ કુલ 1400 જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે. મીરાંનું એકેએક પદ શૈલીસ્વરૂપમાં સર્વાંગ સંપૂર્ણ છે. એમાં કાવ્યમયતા અને કલામયતા છે. મીરાંએ પોતે જ તો કહ્યું છે કે, ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે….!
આપણ વાંચો: બધાને પત્ની કાળી નહીં, ગોરી જ જોઈએ!