અમદાવાદ

બોબી પટેલે ગુજરાતમાંથી કેટલા લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડ્યા? જાણો

અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. વિઝા ન મેળવી શકતા લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા હોય છે. થોડા મહિના પહેલા અમેરિકાએ 370 જેટલા ભારતીયોને ઘરભેગા કર્યા હતા. જેમાં ઘણા ગુજરાતી પણ હતા. ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના ગુનામાં બોબી પટેલના ભાગીદાર ઝાકીર ઉર્ફે રાજુને એસએમસીએ બે દિવસ પહેલા હૈદરાબાદથી ઝડપી લીધો હતો. લુકઆઉટ અને રેડ નોટિસ ઇસ્યુ થયાં બાદ અલગ અલગ દેશોમાં ભટકતો અને બાદમાં નેપાળથી બાય રોડ મુંબઈ અને ત્યાંથી હૈદરાબાદ પહોંચેલા ઝાકીરને દબોચી લેવામાં આવ્યો હતો. મેક્સિકો બોર્ડરથી ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના રેકેટમાં સામેલ બોબી પટેલના સાગરિત અને મલયાલી ફિલ્મના ડિરેક્ટર ઝાકીર ઉર્ફે રાજુભાઈ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે સમીર કરીમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ પૂછપરછમાં અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 200 લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડ્યા હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત વિઝા માટે એક થી દોઢ કરોડ રૂપિયા લેવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. ભરત ઉર્ફ બોબી પટેલ ગેરકાયદેસર અમેરિકા મોકલવા માટે આરોપીને વોટ્સએપમાં જે-4ના નામે મોબાઈલ સેવ કરીને તેમાં દસ્તાવેજો રાખ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી 13 સ્ક્રીનશોટ મળી આવ્યા હતા.

આરોપીઓએ 2015-2022 સુધીમાં આર્થિક લાભ મેળવવા માટે એકબીજાના સંપર્કમાં રહીને અમેરિકા જવા ઈચ્છતા વ્યક્તિઓનો સંપર્ક કરીને બનાવટી પાસપોર્ટ બનાવડાવી અમેરિકા સહિતના દેશોમાં મોકલી આપતા હતા. જેમાં વ્યક્તિદીઢ રૂપિયા 65 થી 75 લાખ લેવામાં આવતા હતા. યુગલ હોય તો રૂ 1 કરોડ થી 1.25 કરોડ, યુગલ સાથે બાળકો હોય તો 1.25 કરોડથી 1.75 કરોડ લેવામાં આવતા હતા. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાથી હજુ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો…અમેરિકાએ 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યાં, સૌથી વધારે પ્રભાવિત ભારતીયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button