પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે

-અનવર વલિયાણી

માનવસ્વભાવને બયાં કરતી એક શાયરના લા’જવાબ, અર્થપૂર્ણ શેરનો સરળ ગુજરાતીમાં અર્થ એવો થાય છે કે, રોજીરોટી માટે પરેશાન અને માયુશ (હતાશ) થવાની જરૂર નથી. રબની કુદરત તો એવી છે કે, બાળક દુનિયામાં કદમ મૂકે તે પહેલાં માની છાતીમાં તેની ખોરાકીની વ્યવસ્થા તે કરી આપતો હોય છે.

  • બેશક: અલ્લાહ મોટી શાનવાળો અને કુદરતવાળો છે.

    પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે – ખુદાની શાન (ભવ્યતા) તો જુઓ, કે તે જ્યારે કોઈ વસ્તુ વજૂદ (અસ્તિત્વ)માં લાવવા માગે છે તો કહી દે છે કે થઈજા તો તે જ વખતે વજૂદમાં આવી જાય છે.
    હઝરત શેખ સા’દી સાહેબની મુનાજાત (ફરિયાદ) એવી છે કે:-

    અય કરીમે કે અઝ ખઝાનએ ગૈબ
    ગિબરો તરસાં વઝીફાં ખુરદારી
    દોસ્તાં રા કુજા કુની મહરૂમ
    તુ કે બા દુશ્મનનાં નઝરદારી


    અર્થાત્: અય ખુદા! જ્યારે તું એવો કરીમ – રહીમ (દયાળુ, ઉદાર ઈશ્ર્વર) છે કે જે દરેકને પોતાના (ગૈબી) (છુપા) ખજાનાથી રોજી આપે છે અને દુશ્મનો પર રહમત (ઈશ્ર્વરીદયા) ની નજર રાખે છે તો પોતાના દોસ્તો – ખુદાપરસ્તો, કે જે તારા ઈબાદત ગુજાર છે, તેને કેવી રીતે મહરૂમ (વંચિત) રાખશે?

    આકાશ અને જમીન પર ખુદાની કુદરતની અસંખ્ય નિશાનીઓ મૌજુદ છે. અત્રે એમાંની અમુક વસ્તુઓનું વર્ણન તારવ્યું છે, કે જેની સાથે અરબસ્તાનના રણપ્રદેશમાં વસતા લોકો વિશેષ સંબંધ ધરાવે છે. તેઓ ઊંટો પર સવાર થઈ લાંબા લાંબા પ્રવાસ ખેડતા હતા અને તે સમયે તેઓ પાસે મુસાફરી માટે સર્વોત્તમ સાધન ઊંટ જ હતું. સાથે ઉપર આકાશ, નીચે ધરતી અને ચારેબાજુ પર્વતોની હારમાળા હતી. અલ્લાહની નેઅમત (ઈશ્ર્વરની દેણગી) સમાન અત્રે દર્શાવેલ વસ્તુઓ પર વિચાર અને ચિંતન – મનન કરવા માટે ફરમાવવામાં આવ્યું. બીજી તો એવી અનેક વસ્તુઓ છે, પણ આપણે ફક્ત આ ચાર વસ્તુઓ પર ખુદાની કુદરત પર વિચાર કરીએ તો અલ્લાહતઆલાની દરેક ચીજ પર સંપૂર્ણ પ્રભુત્વ હોવું સમજમાં આવી જશે.

    અરબસ્તાન અને બીજા એવા રેતાળ પ્રદેશોમાં સૌથી મોટું જાનવર ઊંટ જ છે. રણપ્રદેશ હોવાને કારણે અન્ય જાનવરો જેવા કે હાથી વગેરે ત્યાં હોતા નથી. બીજું એ કે ખુદાવંદે કરીમે આ વિશાળકાય જાનવરને એવું બનાવ્યું કે ત્યાંના ગરીબ અને બદુલોકોને પણ આવા જાનવરને પાળવામાં મુશ્કેલી પડતી નથી. કારણ કે તેને છોડી દેવામાં આવે તો પોતાનું પેટ જાતે ભરી લે છે. ઊંચા વૃક્ષોની ડાળીઓ અને પાંદડા પોતે ઊંચું હોવાને કારણે જાતે તોડી પોતાનું ગુજરાન ચલાવી લે છે. ઉપરાંત અરબસ્તાનના રણમાં પાણી એક દુષ્પ્રાપ્ય અને માઈલો સુધી અપ્રાપ્ય વસ્તુ છે. દરેક જગ્યાએ કોઈપણ સમયે પાણી મળવું મુશ્કેલ છે. અલ્લાહતઆલાએ ઊંટના પેટમાં એક કુદરતી ટાંકી એવી લગાવી આપી કે સાત આઠ દિવસનું પાણી પીને તે આ ટાંકીમાં સંઘરી શકવા શક્તિમાન હોય છે અને ધીરે ધીરે પોતાની પાણીની જરૂરિયાત એમાંથી તે પૂરી કરે છે. ઉપરાંત આટલા ઊંચા જાનવર પર સવાર થવા માટે સીડીની જરૂરત પડે. ખુદાતઆલાએ એના પગને ત્રણ વળાંકમાં વહેંચી આપ્યા છે. દરેક પગમાં બે ઘૂંટણ બનાવ્યા જેથી ઊંટ પગવાળીને બેસી જાય છે તો તેના ઉપર ચઢવું – ઉતરવું સરળ થઈ જાય છે. ઊંટ શ્રમ પણ સારો એવો વેઠી શકે છે. રણપ્રદેશમાં દિવસના તાપમાં મુસાફરી અત્યંત મુશ્કેલ બનતી હોય છે. અલ્લાહપાકે આ જાનવરને રાતભર ચાલવાની આદત (ટેવ)વાળું બનાવ્યું. ઉપરાંત તે એટલું ડાહ્યું જાનવર છે, કે એક બાળક પણ તેને દોરીને ચાલી શકે છે.

    આમ અલ્લાહતઆલાએ જાનવરોમાં આ એક જાનવરનો કુરાન શરીફમાં ઉલ્લેખ ફરમાવી માનવજાતને તેની કુદરતનો પરિચય કરાવ્યો છે. તેના દરેક સર્જન પર ચિંતન-મનન કરવાની હિદાયત આપી છે. આ ચિંતન-મનન પણ ઈબાદતનો જ એક હિસ્સો હોવાનું ફરમાવ્યું છે. જેનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ એવો થાય છે કે, ‘તે અલ્લાહ એ જ છે કે જેણે જમીનની તમામ ચીજો તમારા માટે પેદા કરી.

    પછી આકાશ તરફ ધ્યાન આપ્યું, પછી તેમાંથી સાત આસમાન બનાવ્યા. અલ્લાહ તમામ ચીજોનો જાણનાર છે.’ – કુરાન કરીમ, પ્રકરણ-2, આયત (શ્ર્લોક) 29. ‘આકાશ તથા પૃથ્વીનો આરંભ કરનાર અલ્લાહ જ છે અને જ્યારે તે કોઈ બાબતનો નિર્ણય કરે છે ત્યારે તે એટલું જ કહે છે ‘કુન’ (થા); એટલે તરત જ થઈ જાય છે.’ – કુરાન કરીમ પ્રકરણ-2, આયત 117.

    ‘હે રસૂલ! કહો, કે જે કાંઈ તમારા અંત:કરણોમાં છે, તે ચાહો સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તે સઘળું જાણે છે, અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે પણ જાણે છે. અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે – કુરાન કરીમ, પ્રકરણ-3, આયત-28.

    સાપ્તાહિક સંદેશ:
    જે સંતાન પોતાના માતાપિતાને ખરેખર ખુશ કરે, એણે અલ્લાહને રાજી કર્યા અને જે સંતાન પોતાના માતાપિતાને નારાજ કરે, એણે ખરેખર અલ્લાહને નારાજ કર્યા.

આપણ વાંચો:  માણસને ઘડવાનું કામ છે, ભાઈ…

અસનાદ (સત્યવાદી)
હુઝુર અનવર (સલ.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button