લાડકી

બધાને પત્ની કાળી નહીં, ગોરી જ જોઈએ!

કૌશિક મહેતા

ડિયર હની,
આપણા એક સગાના પરિવારમાં થોડા સમય પહેલાં વાત થતી હતી વહુની. એક દીકરાનાં સગપણની વાત ચાલતી હતી. તું પણ હાજર હતી. ઘરના વડીલે કહ્યું કે, મારે તો વહુ મોટા દીકરાને આવી છે એવી જોઈએ.

‘ એવી એટલે કેવી?’નો જવાબ મળ્યો કે,‘ ગોરી જ જોઈએ..‘. અને એ દીકરાને એવી જ છોકરી મળી છે. સારી વાત છે, પણ પ્રશ્ન એ છે કે, બધાને ગોરી વહુ જ કેમ જોઈએ છે? મા- બાપ હોય કે પછી જેને જીવનસાથી જોઈએ છે એ યુવાનને ગોરી જ પત્ની જોઈએ છે. કાળી તો કોઈ સંજોગોમાં ના ચાલે.

મોટાભાગે કોઈ છોકરીને જોવા જવાનું હોય અને છોકરો ત્યાં જાય અને જો છોકરી ગોરી ના હોય, કાળી હોય તો છોકરાનો ઉત્સાહ મરી જાય છે. એ છોકરી સાથે વાત કરવા એકાંતમાં જાય તો પણ ઝાઝી વાત કરતો નથી. વાત આગળ વધતી નથી. આ ગોરા-કાળાનો ભેદ કોણે, કઈ રીતે શરૂ કર્યો એ તો ખબર નથી, પણ આ માનસિકતા ઘર કરી ગઈ છે. ઘણા કિસ્સામાં પુરુષ કાળો કે ઘઉંવર્ણો હોય અને પત્ની ગોરી હોય તો મજાક ઉડાવાય છે કે ‘કાગડો દહીંથરું લઈ ગયો…’

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માં આવું એક યુગલ છે. અય્યર અને બબીતા. અને અય્યર કાળો છે અને એ મુદે એ મજાકનું પાત્ર બને છે, પણ કાળી પત્ની હોય અને ગોરો પતિ હોય એવા દાખલા તને યાદ આવે છે? આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. કાળી છોકરી હોય તો એને કાળો કે એનાથી બદતર સુરત હોય એવો જ છોકરો મળે છે.

સાચું કહું તો આ માનસિકતા ગળે ઊતરે એવી નથી. આપણને ભગવાન કાળો હોય એ ગમે છે. એના ગીતો રચાય છે. કૃષ્ણ ભગવાન કાળો અને કામણગારો ગણવામાં આવે છે અને એના ગીતોનો પાર નથી. જ્યારે દેવીઓ પણ કાળા રંગ ધરાવતી હોય એવા દાખલા પણ ક્યાં ઓછા છે? ‘તું કાળી ને કલ્યાણી રે મા…’

અને ઈતિહાસ ફંફોળીએ તો એવા કિસ્સા મળે છે જેમાં પત્નીઓ કાળી છે. દ્રૌપદીથી માંડી દમયંતીનાં દાખલા આપી શકાય એમ છે.

દ્રૌપદી, જેને ‘ કૃષ્ણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું નામ એના શ્યામ રંગને દર્શાવે છે. મહાભારતમાં એનું સૌંદર્ય અને બુદ્ધિ અસાધારણ ગણાય છે. દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતી અને એનો શ્યામ રંગ એની શક્તિ અને આગવી ઓળખનું પ્રતીક છેતો સત્યવતી, જે ‘મત્સ્યગંધા’ તરીકે પણ જાણીતી હતી, એનો રંગ શ્યામ હોવાનું વર્ણન મળે છે. એ રાજા શાંતનુની પત્ની અને ભીષ્મની સાવકી માતા હતી. એનું સૌંદર્ય અને બુદ્ધિમત્તા એને કુરુવંશની એક મહત્ત્વની વ્યક્તિ બનાવે છે.

આ પણ વાંચો…ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!

આજ રીતે અહલ્યા, ઋષિ ગૌતમની પત્ની, કેટલીક લોકકથાઓમાં શ્યામ રંગની તરીકે વર્ણવાય છે. એનું સૌંદર્ય અને શુદ્ધતા દેવતાઓને પણ આકર્ષે છે. મહાભારતની ઉપકથામાં દમયંતી, રાજા નળ ની પત્ની, કેટલીક વર્ણનોમાં શ્યામ રંગની હોવાનું જણાવાયું છે. એની બુદ્ધિ, વફાદારી અને સૌંદર્ય તેને એક આદર્શ પત્નીનું ઉદાહરણ બનાવે છે.

આટલા દાખલા આમ તો પૂરતા છે, પણ આજની ફિલ્મોમાં પણ આ વિષય સમાવાયો છે અને નજીકનાં વર્ષોમાં આવી કેટલીક ફિલ્મો બનીછે. ‘બાલા’ ફિલ્મ ચાલી હતી. એમાં પુરુષની અકાળ ટાલ પડવાની સમસ્યા (જેનું પાત્ર આયુષ્માન ખુરાના ભજવે છે) અને શ્યામ રંગની સ્ત્રીને સમાજમાં મળતા ભેદભાવ (જેનું પાત્ર ભૂમિ પેડણેકર ભજવે છે). ભૂમિનું પાત્ર લતિકા, એક મજબૂત અને આત્મવિશ્વાસી યુવતી છે, જે પોતાના શ્યામ રંગને કારણે સમાજની ટીકાઓનો સામનો કરે છે, પરંતુ તે પોતાની ઓળખને ગૌરવ સાથે સ્વીકારે છે. એ રંગભેદનો સામનો કરે છે અને સફળ પણ થાય છે.

‘તેરા ક્યા હોગા લવલી’ ‘આર્ટિકલ 15’ અને ‘ગલ્લી બોય’ ફિલ્મમાં પણ કાળા વર્ણનાં પાત્રોની વાત છે. આવી ફિલ્મો આપણે જોઈએ છે પણ ખરા.આવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થાય છે, પણ જ્યારે છોકરો છોકરી જોવા જાય છે ત્યારે આ બધી વાત હવા હવા થઇ જાય છે. ત્યારે તો છોકરીનો વાન જ જોવામાં આવે છે, બાકીની બધી વાત એના પછી આવે છે. એનાં કારણ એકથી વધુ છે. આપણે ત્યાં કાળા રંગની અભિનેત્રીઓ ચાલી છે, પણ તેવાં નામ બહુ ઓછા છે. અને મીડિયામાં કે જાહેરખબરોમાં ગોરા રંગની જ બોલબાલા છે. કાળા હોય તો ગોરા કેમ થવું એવી પ્રોડક્ટથી બજાર છલકાય છે. અલબત, આવી પ્રોડક્ટ સામે આંદોલનો પણ થયા છે. એવી પ્રોડક્ટસનાંનામ પણ બદલવા પડયાં છે, કારણ કે, ત્વચાનો રંગ બદલી શકાતો નથી.

આ પણ વાંચો… ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

બ્લેક ઈઝ બ્યુટીફૂલ , બ્રાઉન ઈઝ બ્યુટીફૂલ …આવી ઝુંબેશ પણ થઈ છે. જો કે, એનાથી સમાજની માનસિકતામાં બહુ બદલાવ આવ્યો છે એમ તો કહી શકાય એમ નથી. ચહેરાના રંગ કરતાં આંતરિક સૌન્દર્ય વધુ મહત્ત્વ ધરાવે છે એવું આપણે કહેતા રહીએ છીએ પણ વાસ્તવિક જીવનમાં એને ઉતારવામાં આપણે બહુ પછાત છીએ. આ દૃશ્ય બદલવું પડશે. પ્રયત્ન થાય છે, વિચારોમાં ધીમો બદલાવ જોવા મળે છે પણ સમગ્ર દૃશ્ય ક્યારે બદલાશે એનો જવાબ કોણ આપશે?
તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button