ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ધોતી

-ખુશ્બુ મુણાલી ઠક્કર
ધોતી માત્ર પુરુષોમાં જ ફેવરિટ નથી પરંતુ મહિલાઓ પણ ધોતી પહેરવાનું પસંદ કરે છે. ધોતી એટલે કે જેમાં 8 ઇંચનો યોક હોય અને યોક પછી સાઈડમાં કાઉલ સ્ટાઈલમાં સીવવામાં આવે. ધોતી પહેર્યા પછી કાઉલ ઈફેક્ટના હિસાબે પેહર્યા પછી હેવી લુક આપે છે. ધોતીની લેન્થ એન્કલ સુધી હોય છે અને તેનો પાયસો એક બીજાંને ઓવર લેપ કરે છે. ધોતી પહેર્યા પછી આ ઓવરલેપિંગ ઇફેક્ટ ફ્રન્ટમાં જ દેખાય છે જેને લીધે ઓવર ઓલ લુક ગ્રેસફુલ લાગે છે. ધોતી સાથે અલગ અલગ લેન્થના ટોપ્સ મિક્સ એન્ડ મેચ કરી શકાય. ધોતીમાં ઇન્ડિયન લુક તેમજ ઈન્ડો વેસ્ટર્ન એમ બન્ને લુક આપી શકાય. ધોતી અલગ અલગ ફેબ્રિકમાં બને છે. ઇવેન્ટને અનુરૂપ તમે ધોતીના ફેબ્રિકની પસંદગી કરી શકો.
ઇન્ડિયન વેર – ઇન્ડિયન વેર તરીકે પહેરવા માટે ધોતી એ એક બેસ્ટ ઓપ્શન છે. ધોતી સાથે કોઈ પણ સ્ટાઇલના ટોપ્સનું મિક્સ એન્ડ મેચ કરી શકાય. તમારા બોડી ટાઈપ મુજબ તમે ધોતી સાથે અલગ અલગ લેન્થના ટોપ્સ પહેરી શકો. જેમકે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે ધોતી સાથે શોર્ટ લેન્થના ટોપ્સ પહેરી શકો.
જો તમારી ધોતી કોટન ફેબ્રિકમાં હોય તો તમે કોટન પ્રિન્ટેડ અથવા હેન્ડલુમ ફેબ્રિકમાંથી બનાવેલા ટોપ્સ પહેરી શકો. કે જેમાં મેટ ગોલ્ડ લેસ અથવા કોટનની લેસ મૂકી શકાય. ધોતી સાથે જે ટોપ્સ પહેરવામાં આવે તેમાં વધારે પેટર્નની જરૂર પડતી નથી. ધોતીને હિસાબે જ ટોપ્સ સિમ્પલ હોવા છતાં સ્ટાઈલિશ લાગે છે.જો લોન્ગ ટોપ્સ પહેરવા હોય તો ટોપ્સની સાઈડ સ્લીટ થોડી લાંબી રાખવી જેને લીધે ધોતીની સ્ટાઇલિંગ દેખાય. ધોતી સાથે એ સિમેટ્રિકલ હેમલાઇન પણ ખૂબ જ સુંદર લાગે છે.
ધોતી જો ફલોઈ ફેબ્રિકમાં બનેલી હશે તો તેનો ફોલ વધારે સારો દેખાશે. જો તમારું સુડોળ શરીર હોય તો તમે ધોતી સાથે શોર્ટ લેન્થના ફલેરી ટોપ્સ પહેરી શકો. એટલે કે, કેડિયા સ્ટાઇલ કે પછી પેપ્લમ ટોપ્સ.ધોતી સાથે એક સ્પેસિફિક પેટર્ન પણ સારી લાગે છે કે જેમાં કમર સુધી યોક અને પછી એ લાઈન સ્ટાઈલમાં ઘેરો હોય. સ્લીવ્ઝમાં તમે તમારી મનપસંદ વેરિએશન આપી શકો. જેમકે, સ્લીવલેસ, થ્રિ ફોર્થ કે પછી બેલ સ્લીવ્ઝ અથવા તો ફિટેડ ફૂલ સ્લીવ્ઝ. તમારા બોડી ટાઈપ મુજબ તમે સ્લીવ્ઝની લેન્થનું સિલેક્શન કરી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો તમારે ધોતી પહેરવાની ટાળવી. જેમનો હિપનો ભાગ વધારે હશે તો તેમણે ખાસ કરીને ધોતી પહેરવાનું ટાળવું. તમારું શરીર વધારે ભરેલું લાગશે. અને તેમ છતાં તમારે ધોતી પહેરવી હોય તો, તમારે ખાસ કરીને ધોતી સાથે લોન્ગ ટોપ્સ પહેરવા કે જેના લીધે તમારા હિપ્સ કવર થઇ જાય. જેમનું શરીર ભરેલું છે તેઓએ ખાસ કરીને સિન્થેટિક ફેબ્રિકવાળી ધોતી પહેરવી કે જે વધારે ફૂલેલી ન લાગે. જેમનું શરીર હેવી છે તેઓ ધોતી સાથે શ્રગ પણ પહેરી શકે.
આ પણ વાંચો…સમર કૂલ, વાઈટ એન્ડ વાઈટ
ઈન્ડો વેસ્ટર્ન વેર – ઈન્ડો વેસ્ટર્ન વેરમાં જો ધોતી પહેરવી હોય તો , ધોતીનું ફેબ્રિક સિલેક્ટ કરવામાં ખૂબ ધ્યાન રાખવું. જેમકે, ખાસ કરીને સિન્થેટિક ફેબ્રિકની પસંદગી કરવી. સિન્થેટિક ફેબ્રિકમાં પણ ઘણા ઓપ્શન આવે છે. કે જેમાં ટ્રાંસપેરન્ટ ધોતીનો પણ સમાવેશ થાય છે તેમજ શિમરવાળી ધોતી પણ આવે છે.
ઈન્ડો વેસ્ટર્ન ધોતી લુક ખાસ કરીને વેડિંગ ફંક્શનમાં પહેરી શકાય કે જેમાં મોટે ભાગે શિમર ફેબ્રિકનો ઉપયોગ થયો હોય. વેડિંગ ફંક્શનમાં પહેરતી ધોતીની એક ચોક્ક્સ પેટર્ન હોય છે.
જેમકે, ધોતી સાથે શોર્ટ ટોપ અને ટોપ પર સિલ્વર કે ગોલ્ડન કલરનું હેન્ડ વર્ક હોય અને તેની પર ટ્રાંસપેરન્ટ શ્રગ. શ્રગની લેન્થમાં પેટર્ન અનુસાર વેરિએશન આવે છે. શ્રગમાં પણ થોડું વર્ક હોય છે જેથી કરી ઓવર ઓલ લુક બેલેન્સ થાય. ઈન્ડો વેસ્ટર્ન લુક માટે ધોતી સાથે દુપટ્ટો અટેચ કરી એક હાલ્ફ સારી લુક પણ ક્રિએટ કરી શકાય. હાલ્ફ સારી લુક એટલે, કે જેમાં ધોતી સાથે જ દુપટ્ટો અટેચ કરેલો હોય છે અને ફેન્સી શોર્ટ ટોપ હોય છે. જો તમારી પાસે સિમ્પલ ધોતી, શોર્ટ ટોપ અને દુપટ્ટો હોય તો તમે તેને કમર બેલ્ટ સાથે પહેરી એક અલગ લુક આપી શકો.
જેમકે, ધોતી અને શોર્ટ ટોપ સાથે દુપટ્ટાને ગળામાં પાછળથી નાખી પહેરવો અને કમર પર બેલ્ટ પહેરવો જેથી કરી દુપટ્ટો સરકી ન જાય અને બેલ્ટ પહેરવાથી આખો લુક લોક થઇ જાય છે. તમે પ્રિન્ટેડ ધોતી સાથે પ્લેન ટોપ પહેરી શકો અથવા પ્લેન ધોતી સાથે પ્રિન્ટેડ ટોપ પહેરી શકો. અથવા તો આખો લુક પ્લેન અથવા તો પ્રિન્ટેડ પહેરી શકાય.
જો તમે યંગ યુવતી હોવ તો તમે સિન્થેટિક ફેબ્રિકમાં બનાવેલા ધોતી અને ફલેરી ટોપ્સ પહેરી શકો. જો તમે ઈન્ડો વેસ્ટર્ન વેર તરીકે ધોતી પહેરવા માંગતા હોવ તો તમે ધોતી સાથે હિલ્સ પહેરી શકો. અને જો તમે ધોતી કેઝ્યુઅલી પહેરવા માંગતા હોવ તો તમે ધોતી સાથે મોજડી પહેરી શકો. ધોતી સાથે વેસ્ટર્ન અને ઇન્ડિયન એમ બન્ને ટાઇપની જ્વેલરી મિક્સ એન્ડ મેચ કરી શકાય, ડીપેન્ડિંગ કે તમારે કયા ફંક્શનમાં જવાનું છે.
આ પણ વાંચો…ફેશન: હોટ કેક – ફરશી સલવાર!