કથા કોલાજ : હું હારીને સંસારથી નિવૃત્ત નથી થઈ મેં સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે

-કાજલ ઓઝા-વૈદ્ય
નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરી
સમય: 24 જાન્યુઆરી, 2025
સ્થળ: પ્રયાગરાજ
ઉંમર: 52 વર્ષ
પ્રયાગરાજનો મહાકુંભ 144 વર્ષ પછી થયો છે. આવનારાં વર્ષોમાં અનેક પેઢીઓ આવો મહાકુંભ નહીં જોઈ શકે. કેટલાંય પુણ્યો કર્યા હોય ત્યારે આવા અનેક ગ્રહોના સમ્મિલન સમયે સંન્યાસ લેવાનો સુયોગ થાય! આ ધરતી પર કેટલાય લોકો જન્મે છે, પોતાનું જીવન જીવે છે અને મૃત્યુ પામે છે… ભારતના 140 કરોડ લોકોમાંથી હું કેટલી ભાગ્યશાળી છું કે મને આવો સુયોગ મળ્યો!
બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો ત્યારે મારી બે નાની બહેનો અને હું મારી મમ્મી સાથે નિયમિત ગણેશ ઉત્સવમાં દર્શન કરવા જતાં. મંગળ અને ગુરૂવારે અમારા ઘરે આરતી થતી. મારી મા રોજ શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી અને અમને સૌને તિલક કરીને સ્કૂલે મોકલતી. આ સંસ્કાર કદાચ મારામાં સાવ નાની વયે પડ્યા હશે, જે અંતે સંન્યાસ સ્વરૂપે મારો મોક્ષ બનીને મારા તમામ પૂર્વજન્મના પુણ્યફળ સ્વરૂપે આજે ઊગી નીકળ્યા.
મારા પિતા મુકુંદ કુલકર્ણી ટ્રાન્સપોર્ટ ઈન્સ્પેક્ટર હતા. અમારા ઘરમાં કોઈ દિવસ બેઈમાનીનો પૈસો આવ્યો નથી. મહેનત અને પ્રામાણિકતા મને વારસામાં મળ્યા છે. મારા પિતાને ઘણા લોકો સાથે બનતું નહીં કારણ કે, એ સ્પષ્ટ વક્તા અને તેજસ્વી બ્રાહ્મણત્વ ધરાવતા એક શુદ્ધ વ્યક્તિ હતા. કેટલીકવાર એમને લાંચ આપવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ એમણે એવા લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા હતા એ મેં મારી નજરે જોયું છે. ત્રણ દીકરીઓ હોવા છતાં અમને કોઈ દિવસ ‘ભાઈ’ નહીં હોવાનો અહેસાસ થયો નથી. મારા પિતાએ અમને બધું જ કરવાની છૂટ આપી. મારી બંને બહેનો મૈથિલી અને મૌલિની પણ ખૂબ તેજસ્વી અને સ્પોર્ટ્સમાં આગળ હતી. અમે ત્રણેય બહેનો સેન્ટ જોસફ’સ સ્કૂલમાં ભણતાં હતાં. સ્કૂલમાં કોન્વેન્ટનું વાતાવરણ હોવા છતાં ઘરમાં શુદ્ધ મરાઠી બોલવાનો આગ્રહ રાખવામાં આવતો. ખાસ કરીને, મારી આજી (દાદી) દીકરીઓને સનાનત ધર્મના અને બ્રાહ્મણત્વના સંસ્કાર આપવા વિશે ખૂબ સજાગ હતી. મને રસોઈ શીખવવામાં આવી-મારી બંને બહેનો પણ ખૂબ સારી રસોઈ બનાવે છે. ઘરના બધા કામ દીકરીઓ શીખે જ મારી આઈનો એવો આગ્રહ રહેતો. મેં કદી નહોતું વિચાર્યું કે, હું ફિલ્મ લાઈનમાં જઈશ, અભિનેત્રી બનીશ! જોકે, સ્કૂલના સમયમાં હું અનેક નાટકોમાં ભાગ લેતી. કવિતા વાંચન, વતૃત્વ સ્પર્ધામાં મેં ઘણા મેડલ જીત્યા છે.
અનેક સફળ ફિલ્મો પછી આજે જ્યાં ઊભી છું ત્યાંથી પાછી વળીને જોઉં છું તો મને સમજાય છે કે, મારી સાચી દિશા તો આ જ હતી! નિર્વાણ, સંન્યાસ, મોક્ષ…
લગભગ દરેક નિર્વાણનો રસ્તો અનેક કાંટાળા રસ્તામાંથી પસાર થાય જ છે. ભગવાન બુદ્ધ મહાવીર કે રામ સુધી જો પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને સમજાય કે, શુદ્ધતા સુધી પહોંચવા માટે અગ્નિમાંથી પસાર થઈએ તો જ અશુદ્ધતાઓ બળે. મારી અશુદ્ધતા પણ સમય સાથે ધીરે ધીરે સળગતી રહી. દરેક પરીક્ષામાંથી પસાર થતી વખતે હું થોડી વધુ શુદ્ધ થઈને બહાર આવી. દરેક કસોટીએ મને સંયમ અને શાંતિ શીખવ્યા.
સંન્યાસ લેતી વખતે મારા અભિષેકની ક્ષણોએ હું રડતી હતી. મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહેતાં હતાં. સોશિયલ મીડિયા પર આ દૃશ્ય જોઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ એવું લખ્યું કે, આ પસ્તાવાના આંસુ હતાં! શેનો પસ્તાવો? મેં કશું ખોટું કર્યું જ નથી તો પસ્તાવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હું હારીને સંસારથી નિવૃત્ત થઈ નથી. મેં સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે. મારી જાતે અને મારી મરજીથી હું નિર્વાણના માર્ગે નીકળી છું. આપણે અન્ય સંન્યાસીઓ વિશે તો આવું કશું કહેતા નથી, પરંતુ હું ફિલ્મ એક્ટ્રેસ હતી એટલે સૌને આવી પ્રતિક્રિયા આપવાની ઈચ્છા થઈ, ખરું? વિનોદ ખન્નાએ પણ સંન્યાસ લીધો હતો-ફિલ્મ લાઈન છોડી હતી ત્યારે લોકોને લાગ્યું હતું કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે, પરંતુ એ અનેક વર્ષો સુધી ઓશો આશ્રમમાં રહ્યા. સાવ સામાન્ય જીવન જીવ્યા, પછી ઓશોના નિર્વાણ પછી એમણે આશ્રમ છોડ્યો અને પોતાના સાંસારિક જીવનમાં પાછા ફર્યા. એવું બનતું હોય છે. મને પણ લોકોએ પૂછ્યું, ‘ફિલ્મ લાઈનમાં પાછા ફરશો?’ મેં ઉત્તર આપ્યો, ‘ના! એનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. હવેનો માર્ગ મારા આત્માની મુક્તિનો માર્ગ છે.’
23 વર્ષ સુધી મેં કઠોર તપસ્યા કરી છે. લોકોને એવી ગેરસમજ છે કે સંન્યાસ લેવાની પ્રક્રિયાના સમયે જ્યારે હું રડતી હતી ત્યારે હું દુ:ખી હતી! કેટલાક લોકોને એવો પ્રશ્ન પણ થયો કે મેં આવું કેમ કર્યું? સનાતન ધર્મ શા માટે? મેં ભગવાં વસ્ત્રો કેમ પહેર્યા? લોકોને લાગ્યું કે, મને આ નિર્ણય કર્યા પછી ખૂબ જ પસ્તાવો થાય છે કે મેં આવું કેમ કર્યું? તેમને લાગતું હશે છે કે, મેં સંન્યાસનો માર્ગ પસંદ કરીને મોટી ભૂલ કરી છે… એવું કશું છે જ નહીં. હું આદર અને અનુગ્રહથી ગદગદિત છું. મારા ગુરૂએ મને દીક્ષા આપવા માટે પસંદ કરી એ મારા ગુરૂની કૃપા છે. દીક્ષા આપતાં પહેલાં એમણે 4 દિવસ સુધી મારી સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. ચાર જગતગુરૂઓએ મારા બ્રહ્મચર્યની, મારી તપસ્યાની, મારા સંયમની પરીક્ષા કરી છે, એ પછી એમણે મને સંન્યાસની પરવાનગી આપી છે. 23 વર્ષ સુધી ધ્યાન કરનાર વ્યક્તિ માટે આ સૌથી મોટો એવોર્ડ છે અને હકીકતમાં, જ્યારે મારા પર અભિષેક થઈ રહ્યો હતો, ત્યારે ખુશીના આંસુ વહી રહ્યા હતા! હું વારંવાર ભગવાનનો આભાર માનું છું કે એમણે મને આ ક્ષણનું સુખ આપ્યું. ગઈકાલે શુક્રવાર હતો, એ દિવસે અર્ધ નારેશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ આવીને મને મહામંડલેશ્વર બનવાનું આમંત્રણ આપે, તો મારે બીજું શું જોઈએ?
લતા નાયકના લક્કી કમ્પાઉન્ડમાંથી પોતાનું જીવન શરૂ કરનાર આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને 2015-16ના ઉજ્જૈન કુંભમાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. એમણે મને આમંત્રણ આપીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવાનો આદર આપ્યો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીનું જીવન પણ એક મિસાલ છે. એમણે પોતાના કિન્નર હોવાના સત્યનો સ્વીકાર કરીને વિશ્વમાં કિન્નરોને સન્માન અપાવવાનું કામ કર્યું. પીએચડીની ડિગ્રી લઈને એ ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી બન્યાં. હું જ્યારે એમને પહેલીવાર મળી ત્યારે હું ફિલ્મી દુનિયા છોડી ચૂકી હતી. મારા જીવનના અનેક ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થઈ રહી હતી. દુબઈમાં એકલી રહેતી હતી અને મારી જિંદગીને ગોઠવવાનો અથાગ પ્રયાસ કરી રહી હતી.
આ લગભગ 2018ની વાત છે. ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત થઈ ત્યારે એમણે કહ્યું, ‘તમે જે જીવ્યા છો એ ખરેખર અદ્ભુત છે. ફિલ્મી દુનિયાની ગ્લેમર અને ઝાકઝમાળમાંથી તમે એક સંન્યાસીની જેવું જીવન વ્યતીત કરી રહ્યા છો. તમને સન્માન મળવું જોઈએ.’ એમણે કિન્નર અખાડામાં વાત કરી. એમની ભલામણથી મને કિન્નર અખાડામાં પ્રવેશ મળ્યો. પહેલાં સંન્યાસ અને પછી પિંડદાનની વિધિ કરવામાં આવી. સૌને જાણીને નવાઈ લાગશે કે, કિન્નર અખાડામાં સંન્યાસ લેતા પહેલાં દરેક વ્યક્તિએ પોતાના પરિવાર અને સ્વયં પોતાનું પિંડદાન કરી દેવું પડે છે. દુનિયા સાથેના એના તમામ સાંસારિક સંબંધો એ પિંડદાનથી પૂરા થાય છે. અર્થ એવો પણ કાઢી શકાય કે એમના એક જન્મનું મૃત્યુ થયું અને હવે એમનો બીજો જન્મ થયો જેમાં હવે એમણે એક સંન્યાસી જેવું વિશુદ્ધ જીવન વ્યતીત કરવાનું છે. પોતે જ પોતાના મૃત્યુ પછીનું પિંડદાન કરીને પોતાના જ પહેલા જન્મ સાથેનો સંબંધ પૂરો કરવો પડે છે…
…તો જ, બીજા જન્મમાં, સંન્યાસની સ્થિતિમાં પ્રવેશી શકાય છે. હવે તમે જ મને કહો, જે વ્યક્તિએ પોતે જ પોતાનું પિંડદાન કરી દીધું હોય, પોતે જ પોતાના એક જન્મનું મૃત્યુ સ્વીકારી લીધું હોય, પોતાના પરિવારજનો સાથેના સંબંધનો આનંદ અને અનુગ્રહપૂર્વક વિચ્છેદ કર્યો હોય એ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે રડે? પસ્તાય? શા માટે?
આપણ વાંચો: આરામદાયક હોઝિયરી
હું તો મારા ઈશ્વરનો, મારા ગુરૂનો અને મારા પૂર્વજન્મના પુણ્યોનો, મારી માનો આભાર માનું છું કે મને આ જન્મમાં જીવતાં જ મારું પિંડદાન કરવાની તક મળી, એટલું જ નહીં સંન્યાસીની તરીકે મેં મારા નવા જીવનનો આજે પ્રારંભ કર્યો છે… (ક્રમશ:)