શેરબજારની તેજીને લાગી બ્રેક, ઘટાડા સાથે થઈ શરૂઆત; આ શેરના વધ્યા ભાવ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં એક સપ્તાહથી ચાલી આવતી તેજી પર ગુરુવારે બ્રેક લાગી હતી. આજે ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 58.06 પોઈન્ટના ઘટાડા સાથે 80058.43 પોઈન્ટ પર ખૂલ્યો હતો. નિફ્ટી 50 પણ 51.05 પોઈન્ટ ઘટીને 24277.90 પોઈન્ટ પર ખૂલી હતી. બુધવારે સેન્સેક્સ 0.65 ટકા કે 520 પોઈન્ટ વધીને 80116 પર બંધ થયો હતો.

ગુરુવારે સેન્સેક્સની 30માંથી 12 કંપનીના શેર વધારા સાથે અને 16 કંપનીના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા. જ્યારે 2 કંપનીના શેરમાં કોઈ હલચલ જોવા મળી નહોતી. નિફ્ટી 50ના 50માંથી 19 શેર તેજી સાથે અને 31 કંપનીના શેર લાલ નિશાનમાં ખૂલ્યા હતા.
આ કંપનીના શેરમાં જોવા મળી તેજી
ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, એચએએલ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફાયનાન્સ, સિપ્લા, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, ટાટા મોટર્સ, એસબીઆઈ લાઈફ, બજાજ ઓટો, ગ્રાસિમ એશિયન પેઈન્ટ્સના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઘટાડો થયો હતો.
બુધવારે શેરબજારમાં સતત સાતમાં દિવસની આગેકીચમાં ખાસ કરીને આઇટી અને ટેક શેરોમાં સારી લેવાલી વચ્ચે માર્કેટ કેપમાં રૂ. ૩.૧૦ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આઈટી અને ટેક ઇન્ડેકસમાં સૌથી વધુ વૃદ્ધિ અને બેન્કેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં સૌથી વધુ પીછેહઠ જોવા મળી હતી.
આપણ વાંચો: ટ્રમ્પના યુ ટર્ન સાથે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો. ચાંદીમાં એક હજારનો ઉછાળો…
બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૭૯,૫૯૫.૫૯ના બંધથી ૫૨૦.૯૦ પોઈન્ટ્સ (૦.૬૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૮૦,૧૪૨.૦૯ના સ્તરે ખૂલીને નીચામાં ૭૯,૫૦૬.૯૦ સુધી અને ઊંચામાં ૮૦,૨૫૪.૫૫ સુધી જઈને અંતે ૮૦,૧૧૬.૪૯ પોઈન્ટ્સની સપાટી પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૨૭.૩૭ લાખ કરોડથી રૂ. ૩.૧૦ લાખ કરોડ વધીને રૂ. ૪૩૦.૪૭ લાખ કરોડ રહ્યું હતું.