ટોપ ન્યૂઝનેશનલ

ફિરોજપુરમાં ઝીરો લાઈન પાર કરી લેતા ભારતીય જવાનને પાકિસ્તાને પકડી લીધો, અધિકારીઓ સરહદ પર પહોચ્યાં

ફિરોજપુર: પહેલગામ હુમલા બાદ અત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે ખરાબ થયા છે. ભારત પાંચ મહત્વના નિર્ણયો લીધા છે, જેના કારણે પાકિસ્તાનની હાલત વધારે બત્તર થવાની છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના ફિરોજપુરમાં ભારત પાકિસ્તાનની સરહદ પર તૈનાત એક BSF સૈનિક ભૂલથી ઝીરો લાઈન પાર કરી પાકિસ્તાન પહોંચી ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઝીરો લાઇન એ સરહદનો તે ભાગ છે જ્યાં બંને દેશોની સરહદો મળે છે. અહીં ખેડૂતોને ખેતી કરવા માટે ખાસ મંજૂરી આપવામાં આવે છે.

સૈનિકે ઝીરો લાઈન ક્રોસ કરી તેને લઈને સરકાર ચિંતિત

નોંધનીય છે કે, ઝીરો લાઈન બોર્ડર પર જ્યારે ખેડૂતો પાક વાવે કે લણે ત્યારે તેમની સુરક્ષા માટે BSF સૈનિક તૈનાત કરવામાં આવે છે. આ જવાન પણ ઝીરો લાઈન પર નજર રાખી રહ્યો હતો. જો કે, ઝીરો લાઈન પાર કરીને સામે જતો રહ્યો હોવાથી BSF સૈનિકને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. આતંકવાદી હુમલાના કારણે ભારત પાકિસ્તાનના સંબંધો આમેય તણાવપૂર્ણ ચાલી રહ્યું છે. અને તેવામાં BSF સૈનિકે ઝીરો લાઈન ક્રોસ કરી તેને લઈને સરકાર અત્યારે ચિંતિત છે. શું આ BSF સૈનિક પાછો ભારત આવશે? તે મુદ્દે હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

પાકિસ્તાને BSF જવાનને પકડી લીધો હથિયાર જપ્ત કરી લીધા

આ BSF બટાલિયન-24 શ્રીનગરથી મામદોટ આવી હતી. ખેડૂત ઘઉં કાપવા માટે પોતાના કમ્બાઈન મશીન સાથે ખેતરમાં ગયો હતો. ખેડૂતો પર નજર રાખવા માટે બે BSF જવાન પણ તેમની સાથે ગયા હતા. તે જ સમયે એક સૈનિકે ભૂલથી સરહદ પાર કરી દીધી. ત્યારબાદ પાકિસ્તાની રેન્જર્સ જલ્લોકે ખાતે બીએસએફ ચેકપોસ્ટ પર આવી પહોંચ્યાં હતાં. તેમણે BSF જવાનને પકડી લીધો હથિયાર પણ લઈ લીધા હતા. આ સમાચાર મળતા જ BSFના વરિષ્ઠ અધિકારીઓ સરહદ પર પહોંચી ગયા.

પાક. રેન્જર્સ અને BSF અધિકારીઓ વચ્ચે રાત સુધી બેઠક

ખાસ કરીને વાત કરવામાં આવે તો સૈનિકને પાછો લાવવા માટે ફ્લેગ મીટિંગ હજુ ચાલુ થઈ ગઈ છે. આશા છે કે ટૂંક સમયમાં કોઈ ઉકેલ આવશે અને સૈનિક પાછો આવશે. જો કે, BSF એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. જે પ્રકારે અત્યારે માહોલ છે, તે પ્રમાણે જોવા જઈએ તો આ પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જવાની છે. કારણ કે, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આકરા નિર્ણયો લીધો છે. જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સૈનિકને મુક્ત કરવા માટે પાકિસ્તાની રેન્જર્સ અને બીએસએફ અધિકારીઓ વચ્ચે રાત સુધી બેઠકો ચાલુ રહી. પરંતુ સત્તાવાર કોઈ વિગતો સામે આવી નથી.

આ પણ વાંચો…BSF પર TMC ના આરોપ પર BSF એ રોકડું પરખાવ્યુંઃ કહ્યું અમારી પ્રાથમિકતા સરહદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button