
નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં આક્રોશ છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને રોકડ ઈનામની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત સરકારે હુમલામાં જીવ ગુમાવનાર અને ઇજાગ્રસ્તના પરિવારને સહાયની જાહેરાત કરી હતી.
આતંકીની માહિતી આપનારને 20 લાખનું ઈનામ
અનંતનાગ પોલીસે કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને રૂ. 20 લાખના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે. પોલીસ આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને પકડવા માંગે છે.
પોલીસની લોકોને કોઈપણ ડર વગર માહિતી આપવા અપીલ
જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે જે પણ વ્યક્તિ ગુનેગારો વિશે સાચી માહિતી આપશે તેને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે. પોલીસે લોકોને કોઈપણ ડર વગર આગળ આવવા અને માહિતી આપવા અપીલ કરી હતી.
ગુજરાત સરકારની સહાયની જાહેરાત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિવારને ગુજરાત સરકારે પાંચ લાખની સહાયની અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું.
આ પણ વાંચો…કોણ છે પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ? જાણો A to Z માહિતી…