ભાવનગર

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના મૃતકોમાં મૃતદેહ મોડી રાતે વતન પહોંચશે: સવારે કરાશે અંતિમ સંસ્કાર

અમદાવાદ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે ત્રાસવાદીઓએ પર્યટકો પર કરેલા મોટા આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વતન લાવવામાં આવી રહ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળતી વિગતો અનુસાર ભાવનગરના મૃતદેહોને બુધવાર મોડી રાત સુધીમાં વતન લાવવામાં આવી શકે છે. તેમજ ગુરુવાર સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી શકે છે. અ હુમલામાં આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા તેમજ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે.

CM ભુપેન્દ્ર પટેલ ભાવનગર જવા રવાના

આ અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ભાવનગરના મૃતદેહોને રાતે નવ વાગ્યા સુધીમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે તેમજ ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને વતન લઇ જવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહો મોડી રાતે ૧ વાગ્યા આસપાસ ભાવનગર પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ભાવનગર આવવા માટે નીકળી રહ્યા હોવાની વિગતો છે.

આ પણ વાંચો: ધર્મને નામે નિર્દોષ નાગરિકોને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાયઃ મોહમ્મદ સિરાજ

કાર્નિવલ મહોત્સવની ઉજવણી મોકૂફ

ભાવનગરના સ્થાપના દિવસ નિમિતે શહેરના બોરતળાવ ખાતે આગામી તા. ૨૯ એપ્રિલથી લઇ ૩૦ એપ્રિલના રોજ કાર્નિવલ મહોત્સવની ઉજવણી થવાની હતી પરંતુ પહેલગામ આતંકી હુમલામાં લોકોના મોતની ઘટનાને ધ્યાને રાખી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. તેમજ સાદગી પૂર્ણ રીતે મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

એક પ્રવાસી ઘાયલ

ભાવનગરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી શેત્રુંજી રેસીડેન્સીમાં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.૬૨)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

ભાવનગરથી કાશ્મીર ગયેલા લોકોની યાદી

ભાવનગરથી કાશ્મીર ગયેલા લોકોમાં વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી,લીલાબેન વિનુભાઈ ડાભી,ધીરુભાઈ ડાયાભાઇ બારડ, મંજુલાબેન ધીરુભાઈ બારડ, મહાસુખભાઈ રાઠોડ, પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ, હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા, ખુશી હરેશભાઈ વાઘેલા, અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા, યતિષભાઈ સુધીરભાઈ પરમાર, સ્મિત યતિષભાઈ પરમાર, કાજલબેન યતિષભાઈ પરમાર, મંજુબેન હરજીભાઈ નાથાણી, સાર્થક મનોજભાઈ નાથાણી, હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી, હર્ષદભાઈ ભગવાનભાઈ નાથાણી, ચંદુભાઈ જેરામભાઈ બારડ, ચંદુભાઈ તલસીભાઈ બારડ અને ગીતાબેન ચંદુભાઈ બારડનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button