આમચી મુંબઈ

નાગપુરના વેપારી, પુત્રએ દંડથી બચવામર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવી…

નાગપુર: ટ્રાફિક ચલાન (દંડ)થી બચવા માટે મર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવવા બદલ નાગપુરના વેપારી અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓની ઓળખ વેપારી હરિશ દેવીચંદ તિવારી (50) અને તેના પુત્ર યશ હરિશ (25) તરીકે થઇ હતી, જેઓ વર્ધા રોડ પરની કોલોનીમાં રહે છે.

તેમની મર્સિડીઝનો મૂળ રજિસ્ટ્રેશન નંબર એમએચ-31/ઇએક્સ-9993 છે, પણ એક વર્ષથી તેઓ નકલી નંબર પ્લેટ (એમએચ-02/ડીઝેડ-50610)નો ઉપયોગ કરી રહ્યા હતા, જે અન્ય મર્સિડીઝ કારની છે અને તેનો માલિક મીરા રોડનો રહેવાસી હનિત સિંહ અરોરા છે, એમ ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.

મોલ નજીક નો-પાર્કિંગ ઝોનમાં નકલી નંબર પ્લેટ ધરાવતી મર્સિડીઝ પાર્ક કરાયેલી મળી આવ્યા બાદ આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. સોનેગાવ ટ્રાફિક ઝોનના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર પગારેએ ઇ-ચલાન સિસ્ટમથી નંબર પ્લેટ સ્કૅન કર્યા બાદ તેને નંબર શંકાસ્પદ લાગ્યો હતો.

એ નંબર પહેલેથી રડાર પર હતો, કારણ કે તેના મૂળ માલિક સિંહે અગાઉ ફરિયાદ કરી હતી કે તેની કાર નાગપુરમાં ન હોવા છતાં તેને ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ તેને ઇ-ચલાનના મેસેજ મળી રહ્યા છે. નો-પાર્કિંગ ઝોનમાં મર્સિડીઝ મળ્યા બાદ પોલીસે હરિશ તિવારી અને તેના પુત્રને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તેઓ વાહનના યોગ્ય દસ્તાવેજો વિના આવ્યા હતા. પોલીસે મર્સિડીઝ જપ્ત કરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નકલી નંબર પર ગયા વર્ષે ચાર ઇ-ચલાન જારી કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button