ગિરગામમાં રેસ્ટોરાંના કર્મચારીની મારપીટ: બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં લાંચ આપવાનો ઇનકાર કરનારા રેસ્ટોરાંના કર્મચારીની મારપીટ કરવા બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ સત્યનારાયણ સંભાજી શિંદે અને સંદીપ મારુતિ કોળીએ એક ચર્મકારને રેસ્ટોરાં અને પાનના સ્ટોલવાળા સહિત સ્થાનિક વેપારીઓ પાસેથી હપ્તા (લાંચ) વસૂલવા માટે કહ્યું હતું.
7 એપ્રિલે ચર્મકાર ગિરગામની રેસ્ટોરાંમાં 100 રૂપિયા લેવા ગયો હતો ત્યારે ત્યાંના કર્મચારીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન 8 એપ્રિલે મોડી રાતે બંને કોન્સ્ટેબલ રેસ્ટોરામાં ગયા હતા અને ત્યાંના કર્મચારીઓને શટર ખોલવા કહ્યું હતું.
કર્મચારીઓને બાદમાં દંડ ભરવા માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. કર્મચારીઓ ત્યાં પૂછપરછ કરવા લાગ્યા ત્યારે બંને કોન્સ્ટેબલે અલી અકબર શરીફ શેખ નામના કર્મચારીની મારપીટ કરી હતી.
પ્રારંભિક તપાસ બાદ બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે હજી કોઇ એફઆઇઆર દાખલ કરાયો નથી.
(પીટીઆઇ)