આપણું ગુજરાત

પીએઆઈ સૂચકાંકમાં ગુજરાતનો ડંકો! ૩૪૬ ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ ‘વધુ સારું’ પ્રદર્શન કરતી પંચાયતો સાથે દેશમાં ટોચ પર…

અમદાવાદ: ૨૪ એપ્રિલના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની પૂર્વ સંધ્યાએ, ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (પીએઆઈ)માં ગુજરાતે શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ૩૪૬ ગ્રામ પંચાયતોને ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન’ કરનારી શ્રેણીમાં સ્થાન મળ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

કેવું રહ્યું અન્ય રાજ્યોનું પ્રદર્શન?
સૂચકાંકમાં, તેલંગાણા ૨૭૦ ‘અગ્રણી’ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ‘વધુ સારું પ્રદર્શન’ શ્રેણીમાં મહારાષ્ટ્ર ૧૨,૨૪૨ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું અને તેલંગાણા 10,૦૯૯ પંચાયતો સાથે ત્રીજા ક્રમે રહ્યું. આ પીએઆઈ સૂચકાંકમાં દેશની ૨,૫૫,૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૨,૧૬,૨૮૫ પંચાયતોએ માન્ય ડેટા રજૂ કર્યો હતો, જેમાંથી ૬૯૯ પંચાયતો ‘અગ્રણી’, ૭૭,૨૯૮ ‘વધુ સારું પ્રદર્શન કરનારી’ અને 1,૩૨,૩૯૨ ‘મહત્વાકાંક્ષી’ પંચાયતો હતી.

શું છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ?
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) દેશની 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના ટકાઉ વિકાસ લક્ષ્યો (LSDGs)ને અનુરૂપ પ્રગતિને માપવા માટેનું એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે. આ સૂચકાંક ગામડાંઓના પાયાના વિકાસનું મૂલ્યાંકન કરવા અને પંચાયતોની ભૂમિકાને મજબૂત બનાવવા તરફ એક મોટું અને ઐતિહાસિક પગલું માનવામાં આવે છે, જેમાં ગરીબી મુક્ત અને સારી આજીવિકા, સ્વસ્થ પંચાયત, બાળ-અનુકૂળ પંચાયત, જળ-પર્યાપ્ત પંચાયત જેવા ૯ વિષયોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button