મહારાષ્ટ્ર

મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ

આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કર્યો તે અત્યંત ઘૃણાસ્પદ હોવાનું જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ટૂંક સમયમાં પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે અને તેમને ન્યાયના કઠેડામાં લાવશે.’

અહીં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કર્યો તે અત્યંત ઘૃણાસ્પદ છે.

મૃતકોમાંથી છ જેટલા મહારાષ્ટ્રના હતા.

‘વડાપ્રધાન મોદી પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે અને તેમને ન્યાયના કઠેડામાં લાવશે,’ એમ તેમણે કહ્યું હતું.

ગૃહ પ્રધાનનો હવાલો પણ સંભાળતા ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હુમલો ભારતીયો પર હતો અને નિર્દોષ નાગરિકોના નરસંહાર પર કોઈ રાજકારણ ન થવું જોઈએ.’

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી કે આખો દેશ કાશ્મીરના લોકો સાથે છે

ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પછી નવી સરકારના શપથ લીધા પછી થયેલા આતંકવાદી હુમલા અંગેના પ્રશ્ર્નના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, ‘એ સાચું છે કે જ્યારે ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) (વહીવટનો) હવાલો સંભાળતા હતા ત્યારે આવો હુમલો થયો ન હતો, પરંતુ અમે (કેન્દ્રશાસિત પ્રદેશની) સરકાર સાથે છીએ અને આ ભારતીયો પર હુમલો હતો.’

પુણેમાં પત્રકારો સાથે વાત કરતા એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સર્વપક્ષી બેઠક બોલાવવા અને પહલગામ હુમલા પછી જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવા વિનંતી કરી હતી.

‘આ દોષારોપણનો સમય નથી. લોકોની સુરક્ષા અને સલામતી સર્વોપરી છે. જ્યાં સુધી ગૃહ પ્રધાન (જેમણે હુમલા પછી કાશ્મીરની મુલાકાત લીધી હતી) કોઈ નિવેદન ન આપે ત્યાં સુધી આપણે જવાબદાર જનપ્રતિનિધિઓ તરીકે ખૂબ સાવધાની સાથે વાત કરવી જોઈએ,’ એમ સુળેએ કહ્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીર આતંકવાદી હુમલો:ફડણવીસે મહારાષ્ટ્રના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી, મદદનું આશ્વાશન આપ્યું…

પુણે જિલ્લાના બારામતીના લોકસભા સાંસદે નોંધ્યું હતું કે, કાશ્મીરના વિવિધ ભાગોમાં ઘણા પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે અને સ્થાનિક વહીવટીતંત્ર તેમને સક્રિય રીતે મદદ કરી રહ્યું છે.

પાછા આવવા માગતા મોટાભાગના પ્રવાસીઓ ખૂબ જ મોંઘી હવાઈ ટિકિટોની ફરિયાદ કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું અને સરકારને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.

‘હું નાગરી ઉડ્ડયન મંત્રાલય, રેલવે અને રાજ્ય પરિવહન વિભાગને નફો કમાવાનો વિચાર કર્યા વિના પ્રવાસીઓને પરત લાવવાની સુવિધા આપવા વિનંતી કરું છું. સરકારે ખાસ ફ્લાઇટ્સની સુવિધા આપવી જોઈએ અને જેઓ ઘરે પાછા ફરવા માગે છે તેમને પાછા લાવવા જોઈએ,’ એમ વિપક્ષી સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું.

હુમલાની આગોતરી જાણકારી મેળવવા અંગેની નિષ્ફળતા છે કે કેમ એવું પૂછવામાં આવતાં સુળેએ કહ્યું હતું કે, તેમણે કેટલીક ચેનલો પર સમાચાર જોયા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 15 દિવસ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં સંભવિત આતંકવાદી હુમલા વિશે કેટલાક ઇનપુટ પ્રાપ્ત થયા હતા.

‘હું કોઈપણ પ્રકારના દોષારોપણમાં નહીં પડું. પહેલી પ્રાથમિકતા ત્યાં (જમ્મુ અને કાશ્મીર)માં ફસાયેલા તમામ લોકોની સલામતી અને સુરક્ષા છે,’ એમ એનસીપી (એસપી)ના નેતાએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button