નેશનલસ્પોર્ટસ

ધર્મને નામે નિર્દોષ નાગરિકોને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાયઃ મોહમ્મદ સિરાજ

પહલગામના હુમલાની સચિન, વિરાટ સહિત અનેક ક્રિકેટરોએ નિંદા કરીઃ શ્રીવત્સએ લખ્યું, `નિર્દોષ ભારતીયોની હત્યા કરવી એ જ પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે'

નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુ પર્યટકો પર હુમલો (Terror atrack) કરીને 28 લોકોને મારી નાખ્યા અને બીજા કેટલાકને ઘાયલ કર્યા એ ઘટનાની ભારતીય ક્રિકેટરો તેમ જ ઍથ્લીટોએ આકરા શબ્દોમાં નિંદા કરી છે તેમ જ અસરગ્રસ્ત લોકોના પરિવારો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. કેટલાક ખેલાડીઓએ માગણી કરી છે કે ભારતે પાકિસ્તાન સાથેના ખેલકૂદને લગતા તમામ સંબંધો કાપી નાખવા જોઈએ.

સચિન તેન્ડુલકર તથા વિરાટ કોહલીએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે ભારતીય પેસ બોલર અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી સૌથી વધુ 12 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં હૃદયસ્પર્શી સંદેશમાં લખ્યું છે કે ધર્મને નામે નિર્દોષ નાગરિકોને લક્ષ્યાંક બનાવીને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાય. આવું ઘૃણાસ્પદ કૃત્ય કોઈ પણ ધ્યેયમાં કે અભિયાનમાં, કોઈ પણ આસ્થામાં કે કોઈ પણ પ્રકારની વિચારધારામાં સ્વીકાર્ય હોય જ નહીં. યે કૈસી લડાઈ હૈ…જહાં ઇન્સાન કી જાન કી કોઈ કીમત હી નહીં. હું આશા રાખું છું કે (નિર્દોષોને લક્ષ્યાંક બનાવવાનું) આ ગાંડપણ જલદી દૂર થઈ જશે અને આતંકવાદીઓને પકડીને તેમને કોઈ પણ પ્રકારના દયાભાવ વગર કડક સજા કરવામાં આવશે.’ વર્લ્ડ ચૅમ્પિયન મહિલા બૉક્સર નિખત ઝરીને (Nikhat Zareen) પોસ્ટમાં લખ્યું હતું કેનિર્દોષ લોકો પર હુમલો કરનારાઓએ સમગ્ર માનવતા પર જ હુમલો કર્યો છે. પહલગામના કાયરતાભર્યા હુમલાને હું સખત શબ્દોમાં વખોડું છું. ભોગ બનેલોઓને ન્યાય મળવો જ જોઈએ.’

આ પણ વાંચો: આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ

સચિને શોક સંદેશમાં શું લખ્યું?

સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે કે `પહલગામના હુમલામાં ભોગ બનેલા લોકોના પરિવારો પર કલ્પી ન શકાય એવી આપત્તિ આવી પડી છે. આ
દુઃખના સમયે આખો દેશ અને સમગ્ર વિશ્વ તેમની પડખે છે. મૃત્યુ પામેલા લોકો વિશે હું શોક વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળશે.’

કોહલીએ અને ગંભીરે શું કહ્યું?

ભારતના ટોચના ક્રિકેટર અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુને એક પછી એક જીત અપાવીને ત્રીજા સ્થાન પર લાવનાર વિરાટ કોહલીએ હિંદુ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા ઘાતક હુમલા બાદ અસરગ્રસ્તો વિશે હૃદયસ્પર્શી સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કરવાની આ ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે હું પૂરા હૃદય ભાવથી દુઃખ વ્યક્ત કરું છું અને ઈશ્વર તેમને આ આપત્તિનો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. હું એવી પ્રાર્થના પણ કરું છું કે આ ઘૃણાસ્પદ કૃત્યનો ભોગ બનેલાઓને પૂરો ન્યાય મળશે.’ જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ તેમ જ ભાલાફેંકના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ પણ સચિન-કોહલી જેવા હૃદયસ્પર્શી ભાવ વ્યક્ત કરીને મૃતકોને મીડિયામાં અંજલિ આપી હતી. ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરે પોસ્ટમાં લખ્યું હતું કેમૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. પહલગામમાં હુમલો કરનારા કે કરાવનારાઓએ આકરી કિંમત ચૂકવવી જ પડશે. ભારત હુમલો કરશે જ.’

આ પણ વાંચો: પહલગામ હુમલા વિશે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું કે…

પાકિસ્તાન સામે ક્રિકેટ રમો જ નહીંઃ શ્રીવત્સ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મૂળ પશ્ચિમ બંગાળના શ્રીવત્સ ગોસ્વામીએ મીડિયાની પોસ્ટમાં કડક ભાષામાં લખ્યું હતું કે `પાકિસ્તાન સાથે ખેલકૂદને લગતા તમામ સંબંધો કાપી નાખો. ખાસ કરીને પાકિસ્તાન સામે ક્રિકેટ રમો જ નહીં. હમણાં તો શું, ક્યારેય ન રમો. થોડા મહિના પહેલાં ભારત સરકારે ક્રિકેટરોને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો હતો ત્યારે કેટલાકે સુફિયાણી વાતો કરતા કહ્યું હતું કે ખેલકૂદને રાજકારણથી દૂર રાખવું જોઈએ. જોકે હું તો કહું છું કે નિર્દોષ ભારતીયોની હત્યા કરવી એ જ પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે. ભારતે કસૂરવારોને બક્ષવા ન જોઈએ. પાકિસ્તાનના કૃત્યોને જરાય સાંખી ન લેવા જોઈએ. હું થોડા સમય પહેલાં પહલગામ ગયો ત્યારે મને લાગ્યું કે કાશ્મીર ખીણપ્રદેશમાં શાંતિ અને સદભાવના પાછા સ્થાપિત થઈ રહ્યા છે, પરંતુ મંગળવારની કત્લેઆમ જોતાં મારે કહેવું પડી રહ્યું છે કે આપણે કેટલી વાર શાંત બેસી રહેવું? કેટલી વાર ખેલદિલી બતાવવાની? એક તરફ આપણા લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે ત્યાં હવે પાકિસ્તાન પ્રત્યે શાંતિ અને ખેલદિલી બતાવવાની જરૂર છે ખરી? જરાય નહીં. હવે તો નહીં જ.’

ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી, અનિલ કુંબળે, પાર્થિવ પટેલ, હરભજન સિંહ તેમ જ વર્તમાન ખેલાડીઓ શુભમન ગિલ, કેએલ રાહુલ તેમ જ નિવૃત્ત હૉકી-ગોલકીપર પીઆર શ્રીજેશ, બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે પણ પહલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

અન્ય ક્રિકેટરો અને ઍથ્લીટોએ મીડિયામાં શું કહ્યું?

(1) ક્રિકેટર સુરેશ રૈનાઃ પાકિસ્તાન-પ્રેરિત આ હુમલાની કડકમાં કડક શબ્દોમાં નિંદા થવી જોઈએ. આતંકવાદ સામેની લડાઈમાં આપણા બહાદુર સૈનિકો, જમ્મુ-કાશ્મીરની પોલીસ તેમ જ અર્ધલશ્કરી દળો સાથે આખો દેશ પડખે ઊભો છે. ન્યાય મળીને જ રહેશે.

(2) બૉક્સર વિજેન્દર સિંહઃ હવે તો કડક હાથે કામ લઈ જ લો. મને આશા છે કે આપણા બહાદુર સૈનિકો આ કાયરતાભર્યા હુમલાનો જડબાતોડ જવાબ આપશે જ. આપણી માતૃભૂમિના આ બહાદુર પુત્રોની હાજરીમાં જો કોઈ તોફાનીઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રસ્થાપિત થયેલી શાંતિમાં વ્યાપક સ્તરે ખલેલ પહોંચાડવાનો મનસૂબો રાખતા હશે તો એમાં તેઓ સફળ નહીં થાય.

(3) બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુઃ પહલગામની ઘટના બદલ મને ખૂબ આઘાત લાગ્યો છે. નિર્દોષ લોકોના જાન ગયા છે. આ દુઃખ એવું છે જે કદી ભુલાશે નહીં. આવું હીણ કૃત્ય કોઈ પણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને પૂરી આશા છે કે કાશ્મીર ખીણપ્રદેશમાં બહુ જલદી શાંતિ પ્રસ્થાપિત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button