રૂપિયો પાવલીના ઘટાડા સાથે ૮૫.૪૪ બોલાયો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણની આયાતકારોની માગને કારણે બુધવારે રૂપિયો ૨૫ પૈસા ઘટીને ૮૫.૪૪ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ કરીને ફેડરલ રિઝર્વ અને ચીન પ્રત્યેના નરમ વલણને કારણે અમેરિકન ચલણના મૂલ્યમાં સુધારો થયો છે.
જોકે, સકારાત્મક સ્થાનિક બજારો અને નબળા યુએસ ડોલર ઇન્ડેક્સ અને વિદેશી ભંડોળના પ્રવાહે સ્થાનિક એકમને નીચા સ્તરે ટેકો આપ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ટ્રમ્પે મંગળવારે ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલને બરતરફ કરવાની ધમકીઓથી પીછેહઠ કર્યા પછી બજારને ટેકો મળ્યો હતો, કારણ કે દરોમાં ઘટાડો ન કરવા બદલ તેમની સામે દિવસો સુધી તીવ્ર ટીકા થઈ હતી.
આ ઉપરાંત ટ્રમ્પે ચીન સામે ઓછા ટેરિફની શક્યતાનો પણ સંકેત આપ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ સોદામાં સ્થાનિક એકમ ૮૫.૨૪ પર ખુલ્યું અને ગ્રીનબેક સામે ૮૫.૫૨ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યું હતું. યુનિટ સત્રના અંતે ૮૫.૪૪ (પ્રોવિઝનલ) સ્તર પર બંધ થયું, જે તેના અગાઉના બંધ સ્તર કરતાં ૨૫ પૈસાનો ઘટાડો દર્શાવે છે. મંગળવારે, રૂપિયો યુએસ ડોલર સામે ચાર પૈસા ઘટીને ૮૫.૧૯ પર સ્થિર થયો હતો.