જમ્મુ અને કાશ્મીર આતંકવાદી હુમલો:ફડણવીસે મહારાષ્ટ્રના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી, મદદનું આશ્વાશન આપ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા રાજ્યના લોકોના પરિવારો સાથે વાત કરી છે અને તેમને તમામ મદદની ખાતરી આપી છે.
આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે નાગરી ઉડ્ડયન મંત્રાલયને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા રાજ્યના પાંચ વ્યક્તિઓના મૃતદેહને પરત લાવવા માટે એક ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાર્યાલય દ્વારા બુધવારે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
મંગળવારે રાત્રે એક્સ પર એક પોસ્ટમાં ફડણવીસે જણાવ્યું હતું કે તેમણે નાગપુર અને પુણેના કેટલાક પ્રવાસીઓના પરિવારો સાથે વાત કરી હતી, જેઓ આતંકવાદી હુમલામાં ઘાયલ થયા હતા અને તેમને તમામ મદદની ખાતરી આપી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં રાજ્યના પાંચ પ્રવાસીઓના મોત થયા છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર તરફથી (મહારાષ્ટ્રના પ્રવાસીઓની) યાદી મળ્યા પછી, ટૂંક સમયમાં બધાને પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, એમ જણાવવામાં આવ્યું હતું.