બોલરે વિકેટના સેલિબ્રેશનમાં વિકેટકીપરને ભૂલમાં લાફો ઝીંકી દીધો!

લાહોરઃ વિશ્વ વિખ્યાત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 18મી સીઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન ચાલી રહી હોવાની પાકિસ્તાન બહાર બહુ ઓછા લોકોને જાણ હશે, પરંતુ એમાંની એક હાસ્યાસ્પદ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ ઘટના મુલતાન સુલતાન્સ (MULTAN SULTANS) ટીમના બોલર ઉબૈદ ખાન (UBAID KHAN) અને વિકેટકીપર ઉસ્માન ખાન (USMAN KHAN)ની છે જેમાં ઉબૈદે ઉસ્માનને ભૂલમાં તમાચો ચોડી દીધો હતો.
છ ટીમ વચ્ચેની પીએસએલમાં મંગળવારે 19 વર્ષના ફાસ્ટ બોલર ઉબૈદ ખાને લાહોર કલાન્દર્સ ટીમના બૅટ્સમૅન સૅમ બિલિંગ્સની મહત્ત્વની વિકેટ લીધી ત્યાર બાદ ઉબૈદ એ વિકેટની ઉજવણીના ઉન્માદ (WICKET CELEBRATION)માં અને આક્રમક મૂડમાં વિકેટકીપર ઉસ્માન તરફ ગયો ત્યારે ઉસ્માને બન્ને હાથ ઊંચા કરીને તેની સાથે `હાઇ ફાઇવ’ની સ્ટાઇલમાં વિકેટનું સેલિબ્રેશન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બોલર ઉબૈદે તેના હાથ પર પોતાનો હાથ મારવાને બદલે તેના મોઢા પર મારી દીધો હતો. ભૂલથી લાગેલા આ તમાચામાં ઉસ્માનને માથા પર ગંભીર ઈજા થઈ હતી, તે નીચે પડી ગયો હતો અને તરત જ ટીમના ફિઝિયોથેરપિસ્ટ દોડી આવ્યા હતા.
મુલતાન સુલતાન્સ ટીમના ફીલ્ડરો થોડી વારમાં વિખેરાઈ ગયા હતા, પરંતુ ઉસ્માન બોલર ઉબૈદ પર ખૂબ ગુસ્સે હતો.
બિલિંગ્સ ખૂબ સારું રમી રહ્યો હતો અને ઉબૈદની પાછલી ઓવરમાં તેણે બે સિક્સર ફટકારી હતી. બિલિંગ્સે 23 બૉલમાં 43 રન કર્યા હતા. જોકે ઉબૈદે પછીની ઓવરમાં તેને કૅચઆઉટ કરાવીને બદલો લઈ લીધો હતો, પરંતુ પોતાની જ ટીમના વિકેટકીપરને તેણે આનંદના અતિરેકમાં ઝખ્મી કર્યો હતો.
Update: Everyone is ok
— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025
Khel Khel main #HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai
આ હાઇ-સ્કોરિંગ મૅચમાં ઉબૈદ (3/37) મુલતાન સુલતાન્સ ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. મુલતાન સુલતાન્સે 228 રન કર્યા બાદ ઉબૈદે ત્રણ તેમ જ બીજા બે બોલર માઇકલ બ્રેસવેલ અને ઉસામા મીરે બે-બે વિકેટ લઈને લાહોરની ટીમને 195 રન સુધી સીમિત રખાવી હતી જેને કારણે મુલતાન સુલતાન્સે 33 રનથી વિજય મેળવ્યો હતો. એ પહેલાં, મુલતાન સુલતાન્સની ઇનિંગ્સમાં ઓપનર ઉસમાન ખાને સૌથી વધુ 87 રન કર્યા હતા. તેને મોહમ્મદ રિઝવાનનો સારો સાથ મળ્યો હતો.
આપણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટમાં નવી બબાલ, કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ક્રિકેટ બોર્ડને ધમકી કે…