અમદાવાદ

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ, મંદિરોની સુરક્ષામાં કરાયો વધારો

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. હુમલાના કારણે કાશ્મીરમાં સેના અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયાં છે. આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાઈ એલર્ટને પગલે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

સુરક્ષાને ધ્યાને રાખી રાજ્યભરમાં વાહન ચેકિંગ પણ શરૂ કરાયું

નોંધનીય છે કે, અત્યારે ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી છે અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે જ નહીં પરંતુ પોલીસે રાજ્યભરમાં વાહન ચેકિંગ પણ શરૂ કરી દીધું છે. દ્વારકા અને સોમનાથ દરિયા કિનારે આવેલા હોવાથી અહીં સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોએ પોતાની તમામ પ્રકારની યાત્રાઓને રદ્દ કરી દીધી છે.

અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લા પાકિસ્તાનની સરહદને આવેલો હોવાથી અંબાજીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે, અંબાજી યાત્રાધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને અંબાજીમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના એસપીએ કહ્યું કે, અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અંબાજી, પાવાગઢ, સોમનાથ અને દ્વારકાની સુરક્ષા વધારાઈ

માત્ર અંબાજી જ નહીં પરંતુ રાજ્યના મોટાભાગના મહત્નના ધાર્મિક સ્થળો જેવા કે, અંબાજી, પાવાગઢ, સોમનાથ અને દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. કારણ કે, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યાં અને ખાસ કરીને ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો. જેથી ગુજરાતમાં પણ ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો…પહલગામ હુમલા વિશે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button