નેશનલ

ગુજરાત સહિત ભારતભરના લોકોએ કાશ્મીરનું બુકિંગ રદ્દ કર્યું! પ્રવાસન ઉદ્યોગને કરોડોનું નુકસાન…

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓએ અહીંના પર્યટન સ્થળોનું બુકિંગ રદ કરી દીધું છે. અત્યારે લોકો કાશ્મીર જવાનું ટાળી રહ્યાં છે, કારણ કે, દરેકને ભય સતાવી રહ્યો છે કે, ફરી હુમલો થશે તો? હુમલાની ઘટના બનતા ટ્રાવેલ એજન્ટોને આગામી યાત્રાઓ રદ્દ કરી દેવી પડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી 6 મહિના સુધી કાશ્મીરની યાત્રાઓ રદ્દ થઈ છે. જેના કારણે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગનો ખૂબ જ મોટો ફટકો પડવાનો છે.

કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થશે

મહત્વની વાત એ છે કે, જે લોકોએ કાશ્મીર જવા માટે બુકિંગ કરાવી દીધેલા છે, તે પણ હવે ફરી વિચાર કરી રહ્યાં છે કે ત્યાં જવું કે નહીં? જો કે, મોટાભાગના લોકોએ તો પોતાના કાશ્મીર પ્રવાસ રદ્દ કરી જ દીધો છે. પહેલગામ સાથે સાથે આખા કાશ્મીરમાં હોટેલના બુકિંગ રદ્દ થઈ રહ્યાં છે, જેથી પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ ગરમીના કારણે કાશ્મીરના પ્રવાસે આવતા હતાં, પરંતુ આ હુમલા બાદ તે સંખ્યાં પણ ઓછી થવાની છે. કારણે કે પહેલગામ હુમલામં બે વિદેશી નાગરિકના પણ મોત થયાં છે.

હુમલાના કારણે મોટા ભાગના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ્દ કર્યો

જમ્મુ અને કાશ્મીરનું પ્રવાસનનો છેલ્લા 5 વર્ષમાં સારો એવો વિકાસ થયો હતો. અહીં ભારતીય પ્રવાસી કરતા વિદેશી પ્રવાસીઓ વધારે આવતા હોય છે. 2024ની વાત કરવામાં આવે તો, 65,452 જેટલા વિદેશી પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવ્યાં હતા. આ વખતે સંખ્યા વધવાની આશા હતી પરંતુ હવે તે આંકડો ઘટવાનો છે. કારણે કે, મોટા ભાગના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સ્થિતિમાં સુધાર આવતા ઘણો સમય લાગશે તેવું સ્થાનિક વેપારીઓ, હોટલ માલિકો અને ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે.

પહેલગામમાં હજી પણ કેટલાક ગુજરાતી ફસાયેલા હોવાની આશંકા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં દર વર્ષે કરોડો પ્રવાસીઓ આવતા હોય છે, જેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય છે. જમ્મુ અને કાશ્મીર જવામાં ગુજરાતી લોકોની સંખ્યાં પણ ખૂબ જ વધારે છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલગામમાં હજી પણ કેટલાક ગુજરાતી ફસાયેલા છે. જેમના માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે, તેમના 12 થી વધુ ટુર મેનેજર અત્યારે પહેલગામમાં છે, પહેલગામમાં અત્યારે કર્ફ્યુ જેવી સ્થિતિ છે. ઘણા ગુજરાતી પ્રવાસીઓ શ્રીનગરમાં પણ છે. પહેલગામમાં ફસાયેલા લોકો માટે જેતે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ગુજરાતીઓ પણ કાશ્મીરનો પ્રવાસ ટાળી રહ્યાં છે. બુકિંગ રદ્દ થયા હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો…પહેલગામ આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક તસવીર, પત્ની આંખ સામે નેવી ઓફિસરની હત્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button