કવર સ્ટોરી : બચતના વ્યાજદર હજુ કેટલા ઘટશે?

-નિલેશ વાઘેલા
ભારતીય રિઝર્વ બેન્કે રિપોઝિશન રેટમાં ઘટાડો કર્યો ત્યારથી એક પછી એક બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરતી થઇ ગઇ છે. આ સંદર્ભે સૌથી પહેલો પ્રતિભાવ એવો આવ્યો હતો કે હાશ, આનંદના સમાચાર આવ્યા! હવે લોનના વ્યાજદર ઘટશે અને આમઆદમી પર ઇએમઆઇનો બોજ હળવો થશે. જોકે, રાબેતામુજબ બેન્કો થાપણ દરોમાં ઘટાડો કરવામાં આળસ કરે છે અને સેવિંગ્સ તથા ડિપોઝિટ પરના વ્યાજદર ઘટાડવામાં સ્ફૂર્તિ દેખાડે છે.
… અને હા! આ વખતે બેન્કોની આવી પ્રવૃત્તિ સામે લાલ આંખ દેખાડી શકે એવા ગવર્નર રઘુરામ રાજન પણ નથી. ખેર, આ વખતે અમુક બેન્કોએ હોમ લોન અને ઓટો કે પર્સનલ લોનના વ્યાજદરોમાં ઘટાડો પણ કર્યો છે. જોકે, ઘણી બેન્કોએ સેવિંગ્સ અકાઉન્ટ એટલે કે બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને આ દરો 2.75 ટકા સુધી નીચા આવી ગયા છે.
હવે આવા ખાતામાં નાણાં જમા કરનારા નોકરિયાતો અને આમઆદમીને એ ફિકર થઇ રહી છે કે આ દરો હજુ કેટલા ઘટશે? આનું કારણ એ છે કે આરબીઆઇએ એવા સંકેત આપ્યા છે કે આગળ જતાં તે રિપો રેટમાં ઓર ઘટાડો કરી શકે છે.
આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિએ નવા નાણાકીય વર્ષની શરૂઆત તેના બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને કરી હતી, જે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડા ઉપરાંત હતો. આ વખતે, આરબીઆઇએ પોતાના વલણને ઓકોમોડેટિવ જાહેર કર્યું છે, જે એવો નિશ્ર્ચિત સંકેત આપે છે કે આગળ જતાં દર વધુ ઘટશે અથવા સ્થિર રહેશે.
વ્યાજદરનો ઘટાડો ઉધાર લેનારાઓ માટે અલબત્ત્ા સારા સમાચાર છે, પરંતુ ધિરાણકર્તાઓએ પણ માર્જિન દબાણ વધતાં થાપણો પર વ્યાજદર ઘટાડવાનું શરૂ કર્યું છે. પાછલા કેટલાંક વર્ષોમાં, એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોનમાં વધારો થયો છે. આરબીઆઇ જ્યારે રિપોઝિશન રેટમાં ફેરફાર કરે છે, ત્યારે આ વ્યાજદરનું ઝડપી ટ્રાન્સમિશન શક્ય બનાવે છે.
બીજી બાજુ, ડિપોઝિટ દરો કરતાં ક્રેડિટની માગ વધતી ગઈ હોવાથી, બેંકોએ પ્રવાહિતા વધારવા આકર્ષક દરો સાથે બચતકારોને આકર્ષિત કર્યા, પરંતુ હવે ઘટતા વ્યાજદરો અને આરબીઆઇ દ્વારા સિસ્ટમમાં પર્યાપ્ત તરલતા ઠલવાઇ રહી છે, ત્યારે ડિપોઝિટ દરમાં પણ ઘટાડો તોળાઇ રહ્યો છે.
ઉપરાંત, તાજેતરના મહિનાઓમાં ડિપોઝિટ અને લોન વૃદ્ધિ વચ્ચેનો તફાવત ઓછો થયો છે. ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે તાજેતરમાં 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ માટે બચત ખાતા પર વ્યાજ દર 3.0 ટકાથી ઘટાડીને 2.75 ટકા કર્યો છે. 5ચાસ લાખ રૂપિયાથી વધુની થાપણો પર 3.25 ટકા (3.50 ટકાથી નીચે) દર
મળશે.
એ જ રીતે, આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક જેવી અન્ય મોટી બેંકોએ પણ તેમના સેવિંગ્સ ડિપોઝિટ રેટમાં સમાન પ્રમાણમાં ઘટાડો કર્યો છે. મધ્યમ કદની ધિરાણકર્તા ફેડરલ બેંકે પણ તેમના સેવિંગ્સ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક સહિતની ઘણી બેંકોએ પણ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ઘટાડો
કર્યો છે.
એક અગ્રણી વિશ્ર્લેષકે કહ્યું હતું કે, બચત દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો બેંકોના માર્જિન પર પાંચથી આઠ બેસિસ પોઇન્ટનો સુધારો કરી શકે છે. આનાથી વ્યાજદરમાં ઘટાડો કરવાના ચક્રમાં ખાનગી બેંકો માટે નીમ (નેટ ઇન્ટરેસ્ટ માર્જિન) સંકોચનના સંદર્ભમાં મુખ્ય અવરોધ દૂર થશે.
વધુમાં, ઘણી બેંકોએ વિવિધ મેચ્યોરિટી પિરિયડ ધરાવતી ટર્મ ડિપોઝિટ રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનાથી નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં નીમમાં ઘટાડો નહીં જોવા મળે. નવા ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માત્ર બેન્ચમાર્ક રિપો રેટમાં ઘટાડો કર્યો નથી, પરંતુ સિસ્ટમમાં પૂરતી તરલતા પણ સુનિશ્ર્ચિત કરી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, જ્યારે બેંકોનો ક્રેડિટ ગ્રોથ લગભગ 11 ટકા હતો, ત્યારે ડિપોઝિટ ગ્રોથ લગભગ 10 ટકા હતો.
સીપીઆઇ (ગ્રાહક ભાવાંક) ઇન્ફ્લેશન સારી રીતે નિયંત્રણમાં છે અને ટેરિફ-સંબંધિત અનિશ્ર્ચિતતાને કારણે વૃદ્ધિ દબાણ ઊંચું રહે છે, ત્યારે અર્થશાસ્ત્રીઓ આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓછામાં ઓછા 50 બેસિસ પોઈન્ટ દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા હોવાથી, આગામી ત્રિમાસિક સમયગાળામાં વ્યાજદર ઘટશે.
અહીં આમઆદમી, થાપણદારો માટે એક જ આશ્ર્વાસન છે કે, ડિપોઝિટ રેટમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતા ઓછી છે. તાજેતરના વર્ષોમાં, બેંકો સ્પર્ધાત્મક ભાવે ડિપોઝિટ એકત્ર કરવામાં પડકારોનો સામનો કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ સહિતના અન્ય રોકાણ માર્ગો તરફથી વધતી જતી સ્પર્ધા અને રોકાણકારો દ્વારા ટર્મ ડિપોઝિટ માટે પસંદગીને કારણે સમય જતાં નાની રકમની બચત અને ચાલુ ખાતાના બેલેન્સમાં ઘટાડો થયો છે, જેના કારણે બેંકોના ભંડોળના ખર્ચ પર અસર પડી છે.
સીડી (ક્રેડિટ-ડિપોઝિટ) રેશિયોમાં વધારો થવાથી, નાણાકીય વર્ષ 2026 દરમિયાન પણ ડિપોઝિટ એકત્રીકરણ માટેની સ્પર્ધા ઊંચી રહેવાની શક્યતા છે, જે બેંકોની ડિપોઝિટ દર ઘટાડવાની ક્ષમતાને મર્યાદિત કરશેે. આ ઉપરાંત, એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લોનના ઘટતા દરો તેમ જ ડેટ માર્કેટ્સની સ્પર્ધાને કારણે ધિરાણ દરો દબાણ હેઠળ રહેશે. આ જોતાં આશા રાખી શકાય કે થાપણ દરોમાં વધુ ઘટાડાનો અવકાશ ઓછો રહેશે, અલબત્ત આને કારણે બેંકોના માર્જિન દબાણ હેઠળ રહેશે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાહુલ વિદેશી નાગરિક છે એવું સાબિત કોણ કરે?
રિપો રેટમાં વધુ ઘટાડો તોળાઇ રહ્યો છે!
સામાન્ય રીતે જ્યારે રિપો રેટમાં ઘટાડો થાય છે ત્યારે બેન્કો થાપણ અને બચત દરમાં ઘટાડો કરવામાં ચૂસ્ત અને ધિરાણ દર ઘટાડાવામાં સૂસ્ત હોય છે. આ વખતે ઘણી બેન્કોએ સેવિંગ્સ રેટમાં ઝડપથી ઘટાડો જાહેર કર્યો હોવાથી બચતકારો ચિંતામાં મૂકાયા છે, કારણ કે રિપો રેટમાં આગળ વધુ ઘટાડો તોળાઇ રહ્યો છે.
જોકે, આશાની એક કિરણ પણ છે. ક્રેડિટ-ડિપોઝિટ રેશિયોમાં વધારો થવાથી, નાણાકીય વર્ષ 2026 દરમિયાન પણ ડિપોઝિટ એકત્રીકરણ માટેની સ્પર્ધા ઊંચી રહેવાની શક્યતા છે, જે બેંકોની ડિપોઝિટ દર ઘટાડવાની ક્ષમતાને મર્યાદિત કરશેે. આ જોતાં આશા રાખી શકાય કે થાપણ દરોમાં વધુ ઘટાડાનો અવકાશ ઓછો રહેશે!