કંગનાના ઘરે નવા મહેમાનનું આગમન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
બી-ટાઉનની કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી કંગના રનૌત હાલમાં ખુશીના સાતમા આસમાને વિહરી રહી છે અને તેનું ખુશીનું કારણ જાણીને તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશે. એક્ટ્રેસ એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે તે મુંબઈ એરપોર્ટ પર મિઠાઈઓ વહેંચતી જોવા મળી હતી.
કંગના શનિવારે રાતે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તે એરપોર્ટ પર બધાને મિઠાઈઓ વહેંચી રહી હતી. જો તમે વિચારી રહ્યા હોવ કે પોતાની આગામી ફિલ્મ રિલીઝને કારણે તે એકદમ ખુશમખુશ છે તો ભાઈ એવું નથી. તેની ખુશીનું કારણ છે તેના ઘરે થયેલા નવા મહેમાનનું આગમન.
જી હા, થોડાક સમય પહેલાં કંગના રનૌતની ભાભી પ્રેગ્નન્ટ છે અને કંગના હવે ફોઈ બની ગઈ છે કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી ફેન્સ સાથે શેર કરી છે અને તેણે તેના ભાઈના દીકરાનું નામ પણ જણાવ્યું હતું. રનૌત પરિવારમાં આવેલા આ નવા મહેમાનનું નામ અશ્વત્થામા રાખવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કંગના પાપારાઝીને મિઠાઈ વહેંચતી અને પોતાના હાથથી ફોટોગ્રાફરને મીઠાઈ ખવડાવતી જોવા મળી રહી છે. મીઠાઈ વહેંચતી વખતે કંગનાના ચહેરા પર સ્મિત હતું. ફોઈ બન્યા બાદ કંગના તેના નવજાત ભત્રીજાને ખોળામાં લઈને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેણે એવા ફોટો પણ પોસ્ટ કર્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર તેનો લૂક પણ ચર્ચાનું કારણ બન્યો હતો. હાથીદાંતની સિલ્ક સાડીમાં સુંદર સ્માઈલ સાથે બ્યુટીફૂલ લાગી રહી છે. કંગનાના ચાહકો પણ તેને ફોઈ બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કંગના (કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ) એ તેની ભાભી રિતુના વખાણ કર્યા હતા.
દરમિયાન કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ શુક્રવારે તેની ફિલ્મ તેજસ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ એરફોર્સના પાયલટ તેજસ ગિલ પર આધારિત છે. ત્યાર બાદ કંગના ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની સાથે કંગનાએ તેનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ 2024માં રિલીઝ થશે.