ઈન્ટરવલ

વ્યંગ : એ સૂટકેસમાં કોણ સલવાણી હતી?

-ભરત વૈષ્ણવ

‘શું નામ છે?’
વોર્ડન કરતાર સિંગ ધિલ્લને કડકાઈથી પૂછયું. સૈન્યમાંથી નિવૃત થઇ હોસ્ટેલના વોર્ડનની નોકરીએ લાગેલા. કડક કિસ્મના કર્નલ હતા. શિસ્તનો કોરડો હોસ્ટેલમાં રહેતા છોકરા પર વીંઝતા હતા.

‘રવિરંજન દાસ.’ અણગમો દાખવી છાત્રએ જવાબ આપ્યો.

‘કઇ કોલેજમાં અભ્યાસ કરે છે?’ વોર્ડને બીજો સવાલ કર્યો. ‘નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સી’ આતંકવાદી તહેવ્વૂર રાણાની આગવી ઢબે પૂછપરછ કરે તેમ રવિરંજનનું ઇન્ટ્રોગેશન ચાલું થયું.

કોલેજિયન છોકરામાં કોન્ફિડન્સ નામની ચીજ કયાંથી હોય? રવિરંજન નર્વસ જણાતો હતો વારંવાર મોં પરનો પરસેવો લૂંછતો હતો. તેના આંખના ડોળા ચકળવકળ થતા હતા. બોલતી વખતે થોંથવાતો હતો.

‘મનસ્વી કોલેજમાં’ રવિરંજનનો જવાબ.

‘કયા કોર્સમાં?’ વોર્ડનનો ત્રીજો સવાલ.

‘હું સાયકોલોજીમાં માસ્ટર કરું છું.’ રવિરંજને ફૂસ્સ અવાજે જવાબ આપ્યો.

‘કયા વરસમાં? કયા સેમેસ્ટરમાં?’ વોર્ડનના મનમાં સવાલોનો દારૂગોળો ભરપૂર ભરેલો હતો.

‘સેક્ધડ યર, ચોથું સેમેસ્ટર .’ રવિરંજને હવામાં મુક્કી ઉગામીને જવાબ આપ્યો. રવિરંજનને તે દલદલમાં ફસાઇ ગયો હોય તેવું લાગતું હતું. તેની મજા હવે સજામાં બદલાતી હોય તેમ લાગ્યું.

‘અત્યારે કેટલા વાગ્યા છે?’ વોર્ડન પાસે ઘડિયાળ ન હોય કે ઘડિયાળમાં જોતા ન આવડતું હોય તેવો સવાલ કર્યો.

‘કેમ તમારી પાસે વોચ કે મોબાઇલ નથી?’ રવિરંજને સળી કરી.

‘જે સવાલ પૂછવામાં આવે તેનો જ જવાબ દે. વધારે વાયડાઈ ન કર.’ વોર્ડને રવિરંજનને તતડાવ્યો.

‘રાતના ત્રણ વાગ્યા છે.’ રવિરંજને જવાબ આપ્યો.

‘હોસ્ટેલ આવવાનો આ સમય છે? ‘ વોર્ડને કડકાઈથી પૂછયું.

‘સોરી સર. ટ્રેનના ટાયરમાં પંકચર પડ્યું. ચાર કલાક બગડ્યા એમાં એટલે મોડું થઇ ગયું.’ રવિરંજને જવાબ આપ્યો. વોર્ડનને જવાબ ગળે ન ઉતર્યો.

‘ઘરેથી આવે છે તો બે-બે સૂટકેસ કેમ છે?’ વોર્ડને સામાનના અતિરેક પર તોપ ગોઠવી.

‘સાહેબ, હંમણા પરીક્ષા થવાની છે. પરીક્ષા હોવાથી ગામડે જવાનું નથી. તેથી થોડો સામાન વધી ગયો છે.’ રવિરંજને ગળચવા ગળ્યા.

‘આજકાલ તો લાંચ આપવા અને લેવા સૂટકેસનો ઉપયોગ થાય છે. ઘણીવાર તો સૂટકેસને પેટ ફાટુફાટુ થતું હોય તેટલા રૂપિયા ભરેલા હોય છે. ડંકી રૂટથી અમેરિકા જવાની ફિરકામાં રહેલ યુવક – યુવતી સૂટકેસમાં સાંકડમુંકડ બેસી જાય છે.’ વોર્ડને આટલું બોલી તાળી લેવા રવિરંજન સામે હાથ ધર્યો.

‘ એમ?’ રવિરંજને પ્રતિભાવ આપ્યો.

‘સૂટકેસમેં કયા કયા હૈ? સૂટકેસમૈ કયા હૈ?’ વોર્ડને જાણીતા ગીતને ફેરવીને ફેરવીને પૂછયું.

‘સર, સૂટકેસમાં શું હોય? મેલા કે ઇસ્ત્રી કરેલ કપડાં હોય? ભણવાના નામે લમણે મરાયેલા ચોપડા હોય, મન્ચિંગ હોય, બાટલી હોય, મેગીના પેકેટ હોય, રેડી ટુ ઇટ પેકેટ હોય.’ લોચા વાળતા રવિરંજને જવાબ આપ્યો. રવિરંજનની વાતમાં આત્મવિશ્વાસનો અભાવ હતો. રવિરંજનની વાતમાં રેતી વધારે અને સિમેન્ટ ઓછી હતી.

‘બેટા, તને મારા ધોળા વાળ દેખાય છે?ડયુડ… આ વાળ હેરડાઇથી ધોળા કર્યા નથી. તડકામાં તપીને સફેદ થયા છે.’ વોર્ડને ઇમોશનલ પાસો ફેંક્યો.

‘સર, તડકા સામે રક્ષણ મેળવવા ટોપી કે કેપ પહેરી હોત તો વાળ કાળા હોત. કદાચ શ્વેત શ્યામ હોત. હવે તો એસીવાળી ટોપી મળે છે.’ રવિરંજન પણ માથું ભાંગે એવો હતો. ખુદનું નહીં પરંતુ, વોર્ડનનું માથું ભાંગે તેવો હતો કે શું?
‘તું મને ગમે તેવા ઊંઠા ભણાવીશ એટલે હું માની લઇશ એવું તે કેમ માની લીધું?’ વાર્ડને લાલ આંખ બતાવી.

‘સાહેબ, મારો યકીન કરો. હું વિદ્યાર્થી છું.’ રવિરંજન ગિડગિડાયો.

‘આઇ વીલ ચેક ધી સૂટકેસ.’ વોર્ડને ફેંસલો સંભળાવ્યો.

‘સર, ડોન્ટ ડુ ધેટ. હું તમારી સામે વિનયભંગનો કેસ કરીશ.’ રવિરંજન છેલ્લી પાટલીએ બેઠો. પ્રિયતમાને આલિંગન આપતો હોય તેમ બે હાથે સૂટકેસને કસીને પકડી લીધી.

‘ તે શું કહ્યું? તું મારી સામે વિનયભંગનો કેસ કરીશ. અરે ઓ લલ્લુ, તારી સૂટકેસ કયાં કોઇ કમસીન ક્ધયા છે? તારી જેન્ડર તો જેન્ટસ જ છે ને?’ કોઇ પુરુષ વિનયભંગનો કેસ કરે ખરો? વોર્ડન ગૂંચવાઈ ગયો.

‘સર, હું ખરેખર કેસ કરીશ’ રવિરંજનની સૂટકેસ પરની પકડ ઓછી થતી ન હતી.

‘જા , જે થાય એ કરજે.’ એમ કહી વોર્ડને સૂટકેસ પોતાના તરફ ખેંચી. રવિરંજને બેગને પોતાની તરફ ખેંચી. એ ખેંચા-ખેંચીમાં સૂટકેસ ક્યાંક દરવાજાના લોખંડની ફ્રેમ સાથે અથડામણી. સૂટકેસમાંથી દર્દભરી ચીસ ગાજી ઊઠી.
‘સૂટકેસમાં કોણ છે?’ વોર્ડને સવાલનો દંડો પછાડ્યો.

‘સર, મારું પેટ ડોગ છે.’

‘અરે, કૂતરો ભસે કે ચીસ પાડે? ‘ વોર્ડનનો રેપિડ ફાયર રાઉન્ડ સવાલ .

‘ આઇ વીલ ઓપન ધી સુટકેસ.’ વોર્ડને ફેંસલો સંભળાવ્યો. રવિરંજન પાસે કોઇ વિકલ્પ ન રહ્યો. સૂટકેસ ખોલી કે જાદુ થયો. સૂટકેસનું ઢાંકણ ખૂલતા જ એક રૂપ રૂપના અંબાર સમી લલના આળસ મરડીને બહાર આવી.

‘બેબી, હોસ્ટેલની રૂમ આવી ગઇ?’ છોકરીએ હસ્કી અવાજમાં રવિરંજનને પૂછયું.

‘ના ,જાનુ- હની વોર્ડન નામની પનોતી ભટકાણી છે.’ રવિરંજને માથું કૂટતા જવાબ આપ્યો.

‘સૂટકેસમાં છોકરી?’ વોર્ડન આઘાત પામી ગયા.

‘મારી ગર્લફ્રેન્ડ છે.’ રવિરંજને ખસિયાણું સ્મિત કરી કહ્યું.

‘એ તો જે હોય તે. પણ તારી ગર્લ ફ્રેન્ડ સૂટકેસમાં કેમ સલવાણી છે?’ વોર્ડને વિપક્ષી નેતા જેવો પોઇન્ટ ઓફ ઓર્ડર કર્યો.

‘સાહેબ ભયંકર ટ્રેજેડી છે. પ્રેમમાં પડનાર પ્રેમી મળે તો પ્રેમના દુશ્મનો ઔરંગઝેબની જેમ વર્તે છે. હોટલ, બાગ, રેસ્ટોરેન્ટ, મોલ, સિનેમામાં જઇએ તો ખડુસો ઘુવડની જેમ ઘૂરે છે. મોરલ પોલીસો ધર્મ સંસ્કૃતિના નામે મારપીટ કરે છે. પ્રેમમાં પડેલા -મળેલા જીવ એકમેકના હાથમાં હાથ પરોવી, આંખમાં આંખ પરોવીને ગુટરગુ કરી શકતા નથી. પ્રેમી જાયે તો કહાં જાયે?

આટલું બોલી રવિરંજન વોર્ડનના ખભા પર માથું મૂકીને રડી પડ્યો. આમ તો વોર્ડન ખડૂસ માંયલો ખડૂસ હતો. પ્રેમનો દુશ્મન હતો. કેટલાય પ્રેમાનંદે અલગ કરવાનું કામ કરી ચૂક્યો હતો, પણ આજે ન જાણે એ બધા વિલન ક્યાં ગાયબ થઈ ગયા હોય તેમ એ બોલ્યા :

‘યંગ મેન, આ લે. મારા ફલેટની ચાવી લે. મન ભરાય અને મન ધરાય એટલું તારી ડાર્લિંગને મળી લે.’ આમ કહી રવિરંજનનો ખભો થાબડ્યો. તેની આંખમાં આંસુ નામનું પક્ષી માળો કરે તે પહેલાં આંખ જોરથી ઘસી માળો પીંછી નાખ્યો.

બીજા દિવસે વોર્ડને વોર્ડનના હોદા પરથી રાજીનામું આપી દીધું.

આપણ વાંચો:  મગજ મંથન : પાંચ વર્ષ સુધીના બાળકને અનુશાસનમાંથી મુકત રાખો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button