
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની અસર ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલ પર જોવા મળી હતી. મંગળવારે થયેલા હુમલા બાદ આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરવામાં આવી હતી.
શું લખ્યું છે પોસ્ટમાં
દિલ્હી કેપિટલ્સે શેર કરેલી પોસ્ટ મુજબ, પહેલગામની ઘટનાથી દિલ તૂટી ગયું છે. આ ભયાનક ઘટનાનો ભોગ બનેલા લોકો, તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ સંકટના સમયમાં અમે તેમની સાથે છીએ અને એકજૂથતા દર્શાવીએ છીએ.
દિલ્હી કેપિટલ્સની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેંસ પણ કમેન્ટ દ્વારા પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છે. પહેલગામમાં 26 લોકોના મૃત્યુ ઉપરાંત ડઝનથી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. આતંકીઓને ઝડપી પાડવા સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકીઓએ પત્ની કે પરિવાર સાથે આવેલા હિન્દુ પુરુષોને જ નિશાન બનાવ્યા
હુમલા વખતે આતંકીઓએ નકલી વર્દી પહેરી હતી. જેથી કોઈપણ પ્રવાસીઓને પહેલા તેમના પર શંકા ગઈ નહોતી. પરંતુ થોડીવાર બાદ હિન્દુ પ્રવાસીઓને તેમની ઓળખ પૂછીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે નાસભાગ મચી હતી. આતંકીઓએ પત્ની કે પરિવાર સાથે આવેલા હિન્દુ પુરુષોને જ નિશાન બનાવ્યા હતા. જેના વીડિયો પણ હવે સામે આવી રહ્યા છે.
પીએમ મોદી વિદેશ પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ રદ કર્યો હતો અને તાત્કાલિક ભારત પરત ફર્યા હતા.
દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં એનએસએ અજિત ડોભાલ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાની વિગતવાર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો…Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર