IPL 2025

માર્કરમ-માર્શની 87 રનની ભાગીદારી પછી લખનઊની ટીમનો ધબડકો…

પૂરન ફરી સ્ટાર્કના બૉલમાં ક્લીન બોલ્ડઃ પંતની ટીમના 20 ઓવરમાં 159/6

લખનઊઃ રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (ડીસી) સામે છ વિકેટે 159 રન કરીને અક્ષર પટેલની ટીમને 160 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શકી હતી. લખનઊએ બૅટિંગ મળ્યા બાદ શરૂઆત સારી કરી હતી, પણ 10મી ઓવરમાં ઓપનિંગ જોડી તૂટી ગયા બાદ બૅટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. એઇડન માર્કરમ (બાવન રન, 33 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને મિચલ માર્શ (45 રન, 36 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 10 ઓવરમાં 87 રનની ભાગીદારી થઈ હતી.

જોકે લખનઊની પ્રથમ વિકેટ દિલ્હીની ટીમમાં પહેલી વાર સમાવવામાં આવેલા શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મન્થા ચમીરાએ લીધી હતી. તેણે માર્કરમને 72 મીટર દૂર બાઉન્ડરી લાઇનની નજીક ટ્રિસ્ટેન સ્ટબ્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
એ સાથે, લખનઊનો ધબડકો શરૂ થયો હતો. 12મી ઓવરમાં ટીમનો મુખ્ય બૅટ્સમૅન અને આ સીઝનમાં લખનઊના બૅટ્સમેનોમાં સૌથી વધુ 377 રન કરનાર નિકોલસ પૂરન દિલ્હીના મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. પૂરન આ સીઝનમાં દિલ્હી સામેની અગાઉની (24મી માર્ચની) મૅચમાં પણ સ્ટાર્કના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ત્યારે પૂરને 75 રન કર્યા હતા અને આજે ફક્ત નવ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

BCCI

પૂરન પછી અબ્દુલ સામદ (બે રન) તેમ જ મિચલ માર્શ અને આયુષ બદોની (36 રન, 21 બૉલ, છ ફોર)એ વિકેટ ગુમાવી હતી.
બદોનીને માર્શના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. કૅપ્ટન રિષભ પંત (0) ઇનિંગ્સના છેલ્લા બૉલ પર આઉટ થયો હતો. દિલ્હીના મુકેશ કુમારે તેને 20મી ઓવરના આખરી બૉલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ મિલર 14 રન કરીને અણનમ રહ્યો હતો. દિલ્હી વતી 31 વર્ષીય પેસ બોલર મુકેશ કુમારે સૌથી વધુ ચાર વિકેટ તેમ જ ચમીરા અને સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button