ટોપ ન્યૂઝનેશનલ

Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર

ક્યા આંતકવાદી સંગઠને જવાબદારી લીધી?, પીએમ મોદીએ હુમલાને વખોડ્યો

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પરના આતંકવાદી હુમલાએ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. પહેલી વખત પર્યટકો પરના હુમલામાં 27 પર્યટકના મોત થયાં છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ હુમલામાં માર્યા જનારા પર્યટકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી કુખ્યાત સંગઠન ટીઆરએફે લીધી છે. અમરનાથ યાત્રા પૂર્વે પર્યટકને નિશાન બનાવીને હુમલો કરવાથી કાશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ખાસ કરીને આતંકવાદીએ હિંદુઓને ટાર્ગેટ બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

આતંકવાદીઓએ પર્યટકો પર પચાસથી વધુ રાઉન્ડ કર્યાં

આતંકવાદીઓએ પર્યટકો પર પચાસથી વધુ રાઉન્ડ કર્યા હોવાનું કહેવાય છે, તેના પરથી મૃતકની સંખ્યા વધી શકે છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ખૂદ ગૃહ પ્રધાન અમિત શાહે ઈમર્જન્સી મીટિંગ બોલાવ્યા પછી કાશ્મીર જવા માટે રવાના થયા છે, જ્યારે આતંકવાદીઓ વિરોધના ઓપરેશન માટે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ટીઆરએફ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું

કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસરુપે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે ટીઆરએફે હુમલાની જવાબદારી સ્વીકારી છે. આજે પહલગામના બૈસરન ઘાટીમાં બપોરના 2.30 વાગ્યે આતંકવાદીએ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા વખતે આર્મીનો એક જવાન પણ હાજર હતો, જે પોતાના પરિવાર સાથે ફરવા માટે આવ્યો હતો, જ્યાં હાજર લોકોએ અસરગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે લોકોએ નામ-ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ હુમલાના વીડિયો પણ વાઈરલ થયા પછી દેશવાસીઓએ હુમલાને વખોડી નાખ્યો હતો.

ટીઆરએફ સંગઠન કઈ રીતે કામ કરે છે?

ટીઆરએફ એક આતંકવાદી સંગઠન છે, જે 2019માં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ્દ કર્યા પછી બનાવવામાં આવ્યું છે. આ પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. ટીઆરએફ નાગરિકો ખાસ કરીને લઘુમતી સમુદાયો જેમ કે કાશ્મીર પંડિતો, સરકારી કર્મચારીઓ અને પર્યટકો પર સતત હુમલો કરી રહ્યા છે. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલા કરે છે. ટીઆરએફ બિન ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતે ધર્મ-નિરપેક્ષ હોવાની કોશિશ કરે છે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ તો કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો છે.

PM મોદીએ અમિત શાહને યોગ્ય પગલા ભરવા કહ્યું

કાશ્મીરના પહલગામમાં પર્યટક પરની હિંસક હુમલાના પડઘા છેક સાઉદી અરેબિયા સુધી પડ્યા છે. સાઉદી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાને વખોડી નાખ્યો હતો, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીએ યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે. વડા પ્રધાન મોદીએ શાહને ઘટનાસ્થળની સમીક્ષા કરવા પણ જણાવ્યું.
દરમિયાન વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, જ્યારે આ હુમલાખોરોને છોડવામાં આવશે નહીં. આતંકવાદ સામેની અમારી લડાઈ માટે મક્કમ છીએ અને મજબૂત રહીશું. બીજી બાજુ અમિત શાહે ઈમર્જન્સી બેઠક બોલાવી છે, જેમાં આઈબીના ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના ડીજીપી વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button