શોકિંગઃ મહારાષ્ટ્રના મરાઠવાડમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોની આત્મહત્યામાં વધારો

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં જાન્યુઆરીથી માર્ચ 2025 વચ્ચે 269 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે. ગયા વર્ષે આ સમયગાળામાં 204 ખેડૂતોના આત્મહત્યાથી મૃત્યુ નોંધાયા હતા એમ અહીંની ડિવિઝનલ કમિશનર ઓફિસના એક અહેવાલમાં જણાવાયું છે.
મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં આઠ જિલ્લાનો સમાવેશ છે. અહીં ઓછો વરસાદ પડતો હોવાથી પાણીની અછત સર્જાતી હોવાથી આંશિક શુષ્ક ક્ષેત્ર માનવામાં આવે છે.
આપણ વાંચો: ખેડૂત આત્મહત્યાઃ મહારાષ્ટ્રમાં પીડિતોના પરિવારો માટે નાણાકીય સહાય ફરી શરુ કરી…
બીડ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2024માં સંખ્યા 44 હતી જ્યારે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં સંખ્યા વધીને 71 થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યાનું જિલ્લાવાર વિભાજન (જાન્યુઆરી-માર્ચ 2025) અહેવાલમાં આપવામાં આવ્યું છે: બીડ (71), છત્રપતિ સંભાજી નગર (50), નાંદેડ (37), પરભણી (33), ધારશિવ (31), લાતુર (18), હિંગોલી (16) અને જાલના (13).