આમચી મુંબઈ

મુંબ્રામાં ભીષણ અકસ્માતમાં ટ્રક અને કંટેનર વચ્ચે કારનો કચ્ચરઘાણ વળતાં ડ્રાઈવરનું મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબ્રા બાયપાસ રોડ પર મંગળવારના મળસ્કે થયેલા ભીષણ અકસ્માતમાં નવી મુંબઈમાં રહેતા કારના ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો. પૂરપાટ વેગે આવેલી ગુજરાતની ટ્રક કાર સાથે ટકરાયા પછી કંટેનરને ભટકાઈ હતી, જેને પગલે બન્ને ભારે વાહન વચ્ચે ચગદાઈ ગયેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા કારચાલકની ઓળખ વિષ્ણુ પાલ (27) તરીકે થઈ હતી. પાલ વૅગનાર કારમાં કલવાથી નવી મુંબઈના મહાપે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત મંગળવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ મુંબ્રા બાયપાસ રોડ પર ટોલનાકા નજીક થયો હતો. પૂરપાટ વેગે દોડતી ટ્રક જીજે-03-બીડબ્લ્યુ-8753ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક આગળ જઈ રહેલી પાલની કાર સાથે ટકરાઈ હતી અને કાર આગળના કંટેનર સાથે ભટકાઈ હતી. પરિણામે કાર અને કંટેનર વચ્ચે કારનો ખુરદો બોલાઈ ગયો હતો.

કારનો કચ્ચરઘાણ વળતાં પાલ કારમાં જ ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો કલાકની જહેમત પછી પાલને કારમાંથી બહાર કાઢી શક્યા હતા. બેભાન અવસ્થામાં તેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે કારમાં પાલ એકલો જ હતો.

અકસ્માતને પગલે વાહનોની સતત અવરજવરવાળા બાયપાસ રોડ પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. હાયડ્રા મશીનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યાં હતાં. લગભગ બે કલાક સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. વાહનો રસ્તાથી દૂર કરાયા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. મુંબ્રા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો : કોસ્ટલ રોડ પર કાર્યવાહી કરવા જતાં જીવ ખોયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button