IPL 2025

રાહુલ `કૅપ્ટન-માલિકની તિરાડ’ બાદ આજે પહેલી વાર ગોયેન્કાની લખનઊ ટીમ સામે રમશે…

લખનઊઃ વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL Rahul) હવે દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમમાં છે અને 24મી માર્ચે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી સીઝનની પ્રથમ મૅચના અરસામાં પત્ની આથિયા શેટ્ટી પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી રાહુલ એ મૅચમાં નહોતો રમ્યો. જોકે હવે આજે જોવાજેવી થશે. એક તરફ રાહુલ તેની ભૂતપૂર્વ ટીમ લખનઊને હરાવવા કમર કસીને રમશે અને બીજી બાજુ લખનઊની ટીમના ડગઆઉટમાં રાહુલના એક્સ બૉસ’ સંજીવ ગોયેન્કા (Sanjiv Goenka) બેઠા હશે અને પ્રાર્થના કરશે કે લખનઊની ટીમ કોઈ પણ ભોગે દિલ્હી સામે જીતી જાય.

24મી માર્ચની મૅચમાં લખનઊ (209/8) સામે દિલ્હી (19.3 ઓવરમાં 211/9)એ છેલ્લી ઓવરમાં એક વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. રાહુલ ગયા વર્ષ સુધી લખનઊની ટીમમાં હતો. જોકે ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં માત્ર 9.4 ઓવરમાં બધુ બદલાઈ ગયું હતું. રાહુલ અને તેના બૉસ ગોયેન્કા વચ્ચે મોટી તિરાડ પડી હોવાનું લાઇવ વિઝ્યૂઅલ્સ પરથી સમજાયું હતું. 24મી માર્ચે રાહુલ રમ્યો હોત તો ગોયેન્કા સાથે તેનોભેટો’ એ જ દિવસે થઈ ગયો હોત.

પંતનો સ્ટ્રાઇક-રેટ સૌથી નીચો
લખનઊના સુકાનીપદે હવે રાહુલના સ્થાને રિષભ પંત છે જેના નેતૃત્વમાં લખનઊની ટીમ આઠમાંથી ત્રણ મૅચ હારી છે અને હજી પાંચમા સ્થાને છે અને ખુદ પંતે બૅટિંગમાં હજી જોઈએ એવું પર્ફોર્મ નથી કર્યું. સાત મૅચમાં તે કુલ 106 રન કરી શક્યો છે. આ સીઝનમાં જે 40 બૅટ્સમેને ઓછામાં ઓછા 100 બૉલનો સામનો કર્યો છે એમાં પંતનો 98.14નો સ્ટ્રાઇક-રેટ સૌથી નીચો છે. બીજી તરફ, લખનઊના નિકોલસ પૂરનનો 205.58નો સ્ટ્રાઇક-રેટ સૌથી ઊંચો છે.

લખનઊ આજે બદલો લઈ શકશે?
લખનઊ છેલ્લી સાતમાંથી પાંચ મૅચ જીતી છે, પણ એમાંથી ચાર જીત ભારે રસાકસી વચ્ચેની તંગ પરિસ્થિતિમાં મળી છે. હવે આજે લખનઊએ ઘરઆંગણે દિલ્હીને હરાવીને 24મી માર્ચની હારનું સાટું વાળવાનું છે અને દિલ્હીને હરાવીને તેનું બીજું સ્થાન લેવાનું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી આ વખતે ચાર ઓપનિંગ જોડી અજમાવી ચૂકી છે જે આ વખતની 10 ટીમમાં વિક્રમ છે.

ફાસ્ટેસ્ટ બોલર મયંક આજે રમશે?
આઇપીએલના વર્તમાન ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવે ઈજા બાદ ફિટનેસ તો મેળવી લીધી છે, પણ શનિવાર, 19મી એપ્રિલે લખનઊની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડતાં આયુષ બદોનીને રમાડવામાં આવતાં મયંકનો ત્યારે ચાન્સ નહોતો લાગ્યો. જોકે આજે મયંકને રમવા મળશે એ નક્કી જણાય છે.

નવા નિશાળિયાઓ વચ્ચે હરીફાઈ
લખનઊના લેગબે્રક-સ્પેશિયાલિસ્ટ દિગ્વેશ રાઠી અને દિલ્હીના લેગબે્રક-સ્પેશિયાલિસ્ટ વિપ્રાજ નિગમ એવા બે ભારતીય યુવા ખેલાડી છે જેઓ આ વખતની આઇપીએલમાં ઝળક્યા છે. નંબરની રીતે જોઈએ તો બન્ને વચ્ચે ખાસ કંઈ ફરક નથી. રાઠીએ 26.44ની સરેરાશે કુલ નવ વિકેટ લીધી છે, જ્યારે નિગમે 27.00ની ઍવરેજે સાત શિકાર કર્યા છે. આજે લખનઊની પિચ સ્પિનર્સને વધુ અનુકૂળ હશે તો રાઠી અને નિગમ, બન્ને અથવા બેમાંથી એક સ્પિનર જરૂર ઝળકશે.

પૂરનને કુલદીપે પાંચ વાર આઉટ કર્યો છે!
લખનઊનો નિકોલસ પૂરન કુલ 368 રન સાથે આ સીઝનના બૅટ્સમેનમાં બીજા નંબરે છે. ગુજરાતનો સાઇ સુદર્શન (417) પ્રથમ સ્થાને છે. અહીં મુદ્દાની વાત એ છે કે પૂરને દિલ્હી કૅપિટલ્સના રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવની બોલિંગમાં પાંચ વાર વિકેટ ગુમાવી છે. જોકે 24મી માર્ચે દિલ્હીના મિચલ સ્ટાર્કે પૂરન (75 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.


દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), અભિષેક પોરેલ, ફાફ ડુ પ્લેસી/ડૉનોવાન ફરેરા/સમીર રિઝવી, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મોહિત શર્મા. 12મો પ્લેયરઃ મુકેશ કુમાર.

લખનઊઃ રિષભ પંત (વિકેટકીપર/કૅપ્ટન), એઇડન માર્કરમ, મિચલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સામદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ/મયંક યાદવ અને દિગ્વેશ રાઠી. 12મો પ્લેયરઃ આવેશ ખાન.

આપણ વાંચો : BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી; શ્રેયસ અને ઈશાનને મળ્યું સ્થાન, પંતને થયો મોટો ફાયદો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button