બાબા રામદેવે ફરી કોર્ટ સામે હાથ જોડ્યા! હાઈકોર્ટના ઠપકા બાદ ‘શરબત જેહાદ’ની બધી જાહેરાતો દૂર કરશે

નવી દિલ્હી: પતંજલિના સ્થાપક અને યોગ ગુરુ રામદેવ વાંધાજનક નિવેદન આપીને ફરી એક વાર વિવાદ સપડાયા છે. રામદેવે પતંજલિની પ્રોડક્ટના પ્રમોશનલ વિડીયોમાં “શરબત જેહાદ” શબ્દનો ઉપયોગ (Baba Ramdev Sharbat Jihad comment) કર્યો હતો. કથિત રીતે રામદેવે આ ટીપ્પણી હમદર્દના લોકપ્રિય પીણા રૂહ અફઝા (Rooh Afza) અંગે કરી હતી. રામદેવની ભારે ટીકા કરવામાં આવી રહી છે. એવામાં આજે મંગળવારે દિલ્હી હાઈકોર્ટ(Delhi Highcourt)એ પણ રામદેવને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
રામદેવની ‘પતંજલિ ફૂડ્સ લિમિટેડ’ વિરુદ્ધ ‘હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયા’ની અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમિત બંસલે કડક ટિપ્પણીઓ કરી હતી. કંપનીએ રામદેવ પર તેની પ્રોડક્ટ્સને ટાર્ગેટ કરીને બદનક્ષીભર્યા અને સાંપ્રદાયિક નિવેદનો આપવાનો આરોપ મૂક્યો હતો.
ન્યાયાધીશ અમિત બંસલે કહ્યું, “આવી ટીપ્પણીઓએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. તે અયોગ્ય છે. તમે (રામદેવના વકીલ) તમારા ક્લાયન્ટ પાસેથી સૂચનાઓ લો નહીંતર કડક આદેશ આપવામાં આવશે.”
રામદેવે પીછેહઠ કરી:
કોર્ટના ઠપકા પછી તરત જ, રામદેવે દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપી કે તેઓ તેમની “શરબત જેહાદ” ટિપ્પણીવાળા વિડિઓઝ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને તાત્કાલિક દૂર કરશે. થોડા સમય પછી જ્યારે કેસ ફરીથી હાથ ધરવામાં આવ્યો, ત્યારે રામદેવના વકીલે રજૂઆત કરી કે તેઓ તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓને લગતી બધી પ્રિન્ટ અથવા વિડિયો ફોર્મેટમાં જાહેરાતો અને સોશિયલ મીડિયા પોસ્ટ તાત્કાલિક દૂર કરશે.
કોર્ટે વરિષ્ઠ વકીલ રાજીવ નાયરના નિવેદનને રેકોર્ડ પર લીધું અને રામદેવને પાંચ દિવસની અંદર એક સોગંદનામું દાખલ કરવા કહ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં હરીફોના પ્રોડક્ટ્સ અંગે આવા કોઈ નિવેદનો, જાહેરાતો અથવા સોશિયલ મીડિયા પોસ્ટ કરશે નહીં.
હમદર્દનો આરોપ અને રામદેવનો દલીલ:
હમદર્દના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તાજેતરમાં પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, રામદેવે દાવો કર્યો હતો કે હમદર્દના રૂહ અફઝામાંથી મળેલા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. રામદેવે બાદમાં પોતાની ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી.
કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 1લી મેના રોજ થશે.
શું છે મમલો?
આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પતંજલિના ગુલાબ શરબતના પ્રમોશનલ વીડિયોમાં બાબા રામદેવે કહ્યું કે, “જો તમે તે શરબત (રૂહ અફઝા) પીશો તો મસ્જિદો અને મદરેસા બનશે, પરંતુ જો તમે પતંજલિનું ગુલાબ શરબત પીશો તો ગુરુકુલ, આચાર્યકુલમ, પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડનો વિસ્તાર થશે.”
આ વીડિયો ‘પતંજલિ પ્રોડક્ટ્સ’ ના ફેસબુક પેજ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, “તમારા પરિવાર અને માસૂમ બાળકોને ‘શરબત જેહાદ’ અને ઠંડા પીણાંના નામે વેચાતા ઝેર જેવા ટોયલેટ ક્લીનર્સથી બચાવો. ઘરે ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ લાવો.”
અગાઉ પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો અને અન્ય દાવાઓ અંગે ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. કોર્ટની અવમાનના કેસની સુનાવણી દરમિયાન બાબા રામદેવે હાથ જોડીને માફી માંગી હતી. પતંજલિએ સમાચાર પત્રોમાં માફીનામું પણ છાપવું પડ્યું હતું. હવે ફરી બાબા રામદેવ કોર્ટ સામે ઝુક્યાં છે.
આ પણ વાંચો…‘શરબત જેહાદ’ શબ્દ બોલીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા; લોકોએ ટ્રોલ કર્યા