મહારાષ્ટ્ર

રિટાયર્ડ કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા એક લાખ રૂપિયા તો…..

લાતુરઃ મહારાષ્ટ્રના લાતુરના એક વડીલે ઈમાનદારીનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. તેમના ખાતામાં ભૂલથી 1 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જે બાદ વડીલે પૈસા રાખવાને બદલે પોસ્ટ ઓફિસને તેની જાણ કરી હતી. વડીલની પ્રમાણિકતાની હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર જાહેર બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા શ્રીકાંત જગન્નાથરાવ જોશી હાલમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. શહેરના ગાંધી ચોકમાં આવેલી પોસ્ટ ઓફિસમાં તેમણે ફિક્સ ડિપોઝીટ ખાતું ખોલાવ્યું હતું. તેમાં અમુક રકમ જમા કરાવવામાં આવી હતી જે પાંચ વર્ષમાં પાકવાની હતી. પાંચ વર્ષ પછી જ્યારે તેઓ ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમના ખાતામાં 1 લાખથી વધુ રૂપિયા જમા થયા હતા. જોશી દ્વારા જમા કરવામાં આવેલી રકમ મેચ્યોરિટી પર 1,63,777 રૂપિયા થવાની હતી, પરંતુ એક કર્મચારીની ભૂલને કારણે તેમના ખાતામાં 2,64,777 રૂપિયા જમા થઈ ગયા હતા. જોશીએ તરત જ તેમની પોસ્ટ ઓફિસ એજન્ટને આની જાણ કરી હતી અને 1.01 લાખ રૂપિયાની વધારાની રકમ પરત કરી હતી. તેમની પ્રામાણિકતાની હવે સમગ્ર વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.


ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં ગુજરાતમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. આવી જ રીતે ગુજરાતના એક સ્ટોક ટ્રેડરના ખાતામાં ભૂલથી હજારો કરોડ રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી. એક દિવસ તેણે જોયું કે તેના ડીમેટ ખાતામાં 11,677 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આટલી મોટી રકમ જોતા જ શેર દલાલને સમજાયું કે આ પૈસા તેના નથી. ટ્રાન્સફર ભૂલથી કરવામાં આવ્યું હતું અને જ્યારે બેંકને ભૂલની જાણ થશે ત્યારે તેને ઉલટાવી દેવામાં આવશે, પરંતુ આ દરમિયાન તેણે આઇડિયા લડાવી અને તે રકમમાંથી 2 કરોડ રૂપિયા શેર માર્કેટમાં રોક્યા. થોડા જ કલાકોમાં તેમને આ રકમ પર 5.64 લાખ રૂપિયાનો નફો થઇ ગયો હતો.


થોડા કલાકોમાં જ 11,677 કરોડ રૂપિયા, જે ભૂલથી સ્ટોક ટ્રેડરના ડીમેટ ખાતામાં જમા થઈ ગયા હતા, ઉપાડી લેવામાં આવ્યા હતા. પરંતુ આ રકમમાંથી તેમણે જે રૂ. 5.64 લાખનો નફો મેળવ્યો હતો તે જ બાકી રહ્યો હતો. આ રીતે તેમણે બીજા લોકોના પૈસામાંથી થોડા કલાકોમાં લાખો રૂપિયા કમાઈ લીધા હતા અને આમાં તેમણે કોઈ ગુનો પણ નહોતો કર્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button