તરોતાઝા

એકસ્ટ્રા અફેર: દક્ષિણનાં રાજ્યો પછી મહારાષ્ટ્રમાં હિન્દીનો કકળાટ

-ભરત ભારદ્વાજ

તમિળનાડુ સહિતનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિન્દી થોપવામાં આવી રહી હોવાનો મુદ્દો ઊભો કરીને શરૂ કરાયેલો કકળાટ શમ્યો નથી ત્યાં હવે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 5 સુધી ફરજિયાત હિન્દી શીખવવાનું નક્કી કરાયું તેની સામે રાજકીય પક્ષો તો મેદાનમાં આવી જ ગયા છે પણ ભાષાવિદોએ પણ વાંધો લીધો છે.

એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)) મેદાનમાં આવ્યાં છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારની ભાષા સલાહકાર સમિતિએ પણ ફરજિયાત હિન્દી શીખવવા સામે વાંધો લીધો છે. આ મુદ્દો ચગે નહીં એટલા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દોડતા થઈ ગયા છે.

ફડણવીસે કહ્યું છે કે, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવામાં આવી રહી નથી કે મરાઠીને બદલે હિન્દી ફરજિયાત બનાવવામાં આવી નથી. મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષા ફરજિયાત છે અને તેમાં કોઈ ફેરફાર થવાનો નથી.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે પણ આવો જ બચાવ કર્યો છે પણ ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટીએ આ વાત સાંભળવા તૈયાર નથી. ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટીનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ ત્રિભાષી સૂત્રના અમલને મંજૂરી આપી દેતાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવામાં આવી રહી છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ મુદ્દે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.

ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટીને અણધારી રીતે ભાષા મુક્તિ સમિતિનો ટેકો મળી ગયો છે. ભાષા મુક્તિ સમિતિના વડા લક્ષ્મીકાંત દેશમુખે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને દાવો કર્યો છે કે, સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) એ હિન્દીને મહત્ત્વ આપવા માટે ફરજિયાત ભણાવવાનો નિર્ણય લેતાં પહેલાં તેનાં મંતવ્યો અને સૂચનો ધ્યાનમાં લીધાં ન હતાં.

મહારાષ્ટ્ર સરકારે સ્કૂલોમાં ભણાવાતી ભાષાને સગતા મુદ્દે સલાહ આપવા માટે એક ભાષા સલાહકાર સમિતિ પણ નિમી છે પણ તેનાં સૂચનોને પણ ધ્યાનમાં નથી લેવાયાં એવો પણ દેશમુખે દાવો કર્યો છે. પત્રમાં એવો દાવો પણ કરાયો છે કે, શિક્ષણના કોઈપણ સ્તરે હિન્દી ફરજિયાત ન બનાવવી જોઈએ. બલ્કે શક્ય એટલો હિન્દીનો ઓછો ઉપયોગ કરવાની નીતિ અપનાવવી જોઈએ કેમ કે હિન્દી રોજગાર, આવક, પ્રતિષ્ઠા કે જ્ઞાનની ભાષા નથી.

મહારાષ્ટ્ર સરકારનો બચાવ છે કે, હિન્દી ફરજિયાત કરવા મુદ્દે ગેરસમજ ઊભી થઈ છે. શિક્ષણ મંત્રી દીપક કેસરકરે દાવો કર્યો છે કે, વિદ્યાર્થીઓને ભાષાની મૂળભૂત સમજ મળે તે માટે ફક્ત ધોરણ 1 થી 5 સુધી હિન્દી શીખવવામાં આવશે. કેસરકરના દાવા પ્રમાણે, અગાઉના માળખામાં ધોરણ 5 થી 7 સુધી હિન્દી ફરજિયાત વિષય હતો જ અને હવે હિન્દી ફક્ત પ્રાથમિક સ્તરે એટલે કે ધોરણ 1 થી 5 સુધી શીખવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ દેશભરમાં વ્યાપકપણે બોલાતી ભાષાની મૂળભૂત સમજ મેળવી શકે.

આ દલીલ ખોટી છે કેમ કે, પહેલા ધોરણથી વિદ્યાર્થીને હિન્દી શીખવો તેનો મતલબ એ જ થાય કે, આ ભાષા ફરજિયાત કરાઈ રહી છે. વિદ્યાર્થીઓ દેશભરમાં વ્યાપકપણે બોલાતી ભાષાની મૂળભૂત સમજ મેળવી શકે એ દલીલ પણ વાહિયાત છે. હિન્દી દેશમાં વ્યાપકપણે બોલાતી ભાષા નથી. હિન્દી દેશમાં સૌથી વધારે લોકો બોલે છે કેમ કે દેશમાં સૌથી વધારે વસતી ધરાવતાં હિન્દી પટ્ટાનાં રાજ્યોની હિન્દી માતૃભાષા છે. જે રાજ્યોની માતૃભાષા હિન્દી નથી એ પૈકી કેટલાં રાજ્યોમાં હિન્દી બોલાય છે એ વિશે વિચારશો તો આ વાત સમજાશે. મહારાષ્ટ્રમાં મુંબઈને બાદ કરતાં બીજે ક્યાંય હિન્દી વ્યાપકપણે બોલાતી ભાષા નથી. મહારાષ્ટ્રમાં બહુમતી લોકો પોતાની માતૃભાષા મરાઠીમાં જ બોલવાનું પસંદ કરે છે ને તેમાં કશું ખોટું પણ નથી.

મહારાષ્ટ્રના બીજા ભાગોમાં તો હજુય હિન્દી બોલનારા મળી આવશે પણ દેશનાં સંખ્યાબંધ રાજ્યો એવાં છે કે જ્યાં હિન્દી બોલનારા બિલકુલ નહીં મળે. તમિળનાડુ, પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક, ઓડિશા વગેરે રાજ્યોમાં હિન્દી વ્યાપક પ્રભાવ ધરાવતી ભાષા બિલકુલ નથી. ગુજરાત કે મહારાષ્ટ્ર જેવાં હિન્દીભાષી રાજ્યો સાથે સરહદ ધરાવતાં રાજ્યોમાં હિન્દી બોલાય તેનો મતલબ દેશભરમાં વ્યાપકપણે બોલાતી ભાષા ના કહી શકાય.

જો કે મુદ્દો ભાષા વ્યાપક બોલાય છે કે નહીં તેનો નથી પણ વિદ્યાર્થીઓનું હિત શેમાં છે તેનો છે. દરેક વિદ્યાર્થીએ માતૃભાષા ફરજિયાત શીખવી જોઈએ તેમાં બેમત નથી કેમ કે પોતપોતાની માતૃભાષાનું જતન કરવું એ દરેકની ફરજ છે પણ બાકીની બે ભાષા એવી હોવી જોઈએ કે જે ભવિષ્યમાં કામ આવી શકે અને વિદ્યાર્થીના વિકાસમાં ઉપયોગી થાય. અંગ્રેજી આ દૃષ્ટિકોણથી ફરજિયાત હોવી જોઈએ કેમ કે વૈશ્વિક સ્તરે અંગ્રેજી વ્યાપક રીતે કોમ્યુનિકેશન અને નોલેજ બંનેની ભાષા છે. ત્રીજી ભાષા તરીકે પણ કોઈ વિદેશી ભાષા શીખવાય તો એ ફાયદાકારક સાબિત થાય કેમ કે વિશ્વ હવે આર્થિક બાબતો પર ચાલે છે. આર્થિક બાબતોમાં કોમ્યુનિકેશન મહત્ત્વનું છે તેથી ચાઈનીઝ કે જાપાનીઝ જેવી ભાષાઓને વધારે મહત્ત્વ મળવું જોઈએ.

કમનસીબી એ છે કે, નવી શિક્ષણ નીતિમાં આ શક્યતાનો જ નાશ કરી દેવાયો છે કેમ કે તેમાં એવું પણ કહેવાયું છે કે, વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી ત્રણ ભાષાઓમાંથી બે ભારતીય ભાષાઓ હોવી જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોઈપણ ભાષા ફરજિયાત બનાવવામાં આવી નથી અને શિક્ષણ માતૃભાષાના માધ્યમથી આપવું જોઈએ તેના પર ભાર મુકાયો છે પણ આડકતરી રીતે ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં હિન્દી ફરજિયાત કરવી પડે એ સ્થિતિ પણ આ નિયમના કારણે પેદા કરી દેવાઈ છે.

એક માત્ર વિદેશી ભાષા તરીકે અંગ્રેજી જ પસંદ કરાય તેથી બીજો વિકલ્પ રહ્યો જ નહીં. બે ભારતીય ભાષાઓમાં એક તો માતૃભાષા હોય જ્યારે બીજી ભાષા તરીકે આ રાજ્યોમાં તેલુગુ, તમિલ, મલયાલમ કે કન્નડ જેવી દક્ષિણની ભાષા શીખવી ના શકાય કેમ કે તેના શિક્ષકો ના મળે. ગુજરાત કે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ બંગાળી કે ઉડિયા શીખવી હોય તો તેના પણ શિક્ષકો ના મળે તેથી જખ મારીને હિન્દી જ રાખવી પડે.

આપણ વાંચો:  ફોકસ: સાફસફાઈના મહત્ત્વને આપણે ક્યારે સમજીશું?

આ સ્થિતિ બદલવી જોઈએ. વિદેશી ભાષાઓ વધારે શીખવવી જોઈએ કેમ કે રોજગાર આપતું જ્ઞાન વિદેશી ભાષાઓમાં છે, ભારતીય ભાષાઓમાં નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button