‘હર્ષા ભોગલે પર બેન લગાવો’ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે BCCI સમક્ષ આવી માંગ કેમ કરી?

કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 દરમિયાન કોલકાતા ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડીયમ ઈડન ગાર્ડન્સની પીચ અને પીચ ક્યુરેટર પર ટીપ્પણી કરીને જાણીતા કોમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલે (Harsha Bhogle) અને સિમોન ડૌલ (Simon Doull) વિવાદમાં ફસાયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ બંને સામે BCCIને ફરિયાદ કરી છે.
CABએ BCCI ને એક પત્ર લખીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની તેના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં મેચ હોય ત્યારે કોમેન્ટ્રીની જવાબદારી હર્ષા ભોગલે કે સિમોન ડૌલને ન સોંપવા વિનંતી કરી છે.
શું છે વિવાદ?
સિમોન ડૌલ અને હર્ષા ભોગલેએ KKR ને હોમ ગ્રાઉન્ડ પર ફાયદો ન મળવા માટે ઇડન ગાર્ડન્સના પિચ ક્યુરેટર સુજાન મુખર્જીને દોષી ઠેરવ્યા હતા અને તેમની ટીકા કરી હતી. બંને કોમેન્ટેટરોએ કહ્યું હતું કે ઇડન ગાર્ડન્સના ક્યુરેટર હોમ ટીમને સપોર્ટ નથી કરી રહ્યા અને KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ નવું હોમ ગ્રાઉન્ડ શોધી લેવું જોઈએ.
અહેવાલો અનુસાર સુજાન મુખર્જીને CABનો સંપૂર્ણ ટેકો છે. CAB માને છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે BCCI ના નિયમોનું પાલન કર્યું છે. CABએ BCCI ને પત્ર લખતા આ મામલો ચર્ચામાં આવી ગયો છે.
CABની BCCIને અરજી:
KKR તેના હોમ ગ્રાઉન્ડ પરની પહેલી ત્રણમાંથી બે મેચ હારી ગયા બાદ એક વેબસાઇટ પર પેનલ ડિસ્કશન દરમિયાન આ બંને કોમેન્ટેટરોએ આ વાત કરી હતી. તેમની ટિપ્પણીઓથી નારાજ થઈને, CAB સેક્રેટરી નરેશ ઓઝાએ લગભગ 10 દિવસ પહેલા BCCI ને પત્ર લખીને ભોગલે અને ડૌલને KKRના હોમ ગ્રાઉન્ડ પરની મેચો માટે કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવા વિનંતી કરી હતી.
આપણ વાંચો: KKR VS GT: કોલકાતા હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે 39 રનથી હાર્યું, તમામ બોલરને મળી સફળતા…
BCCIએ બંને સામે પગલા ભર્યા?
નોંધનીય વાત એ રહી કે ગઈ કાલે સોમવારે KKR અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભોગલે કે ડૌલ કોઈ પણ કોમેન્ટ્રી પર નહોતા. જોકે, ભોગલેના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને પહેલાથી જ KKRની કોઈપણ મેચમાં કોમેન્ટરીની જવાબદારી સોંપવામાં આવી નથી. CAB ની ઔપચારિક ફરિયાદ પહેલા કોમેન્ટ્રી શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું હતું કે એ પછી તે પુષ્ટિ થઈ શકી નથી.