VS Hospital scam: ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણના મોતનો દાવો, જવાબદારો સામે ચાર્જશિટ

અમદાવાદઃ અમદાવાદની ખૂબ જ નામાંકિત વીએસ હૉસ્પિટલ હાલમાં વિવાદોમાં સપડાયેલી છે. અહીં દરદીઓ પર ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ થતા હોવાના કૉંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. હવે આ ટ્રાયલમાં ત્રણ દરદીના મોત થયાના અહેવાલો પણ છે અને તેમાંથી એકનું મોત તો હૉસ્પિટલમાં જ થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં અમદાવાદ વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં સંડોવાયેલા સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલ, ફાર્માકોલોજીના એસોસિયેટ પ્રોફેસર દેવાંશ રાણા સામે અમદાવાદ મનપાએ ચાર્જશીટ કરવાનો નિર્ણય લીધો છે.
આક્ષેપો અનુસાર અમદાવાદ શહેર મનપા સંચાલિત વાડીલાલ સારાભાઈ (V.S.) હોસ્પિટલ ખાતે દર્દીઓ પર દવાના દુરુપયોગના કૌભાંડની તપાસ દરમિયાન મળી આવેલા દસ્તાવેજોનાં આધાર પર વર્ષ 2021 બાદ 500 દર્દીઓ પર 58 જેટલા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ 40 ટકા વીએસના મળવા જોઈતા હતા. પણ ડો. મનીષ પટેલ, ડો. દેવાંગ રાણા સહિતનાએ આ પૈસા ઘરભેગાં કર્યા હતા.
ડૉ. મનીષ પટેલ, ડૉ. દેવાંશ રાણા સહિત સંડોવાયેલા ડોક્ટરો પાસેથી રૂપિયા એક કરોડથી વધુની રકમ વસૂલાશે. આ કૌભાંડમાં NHL કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને અમદાવાદ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
મ્યુનિ. બોર્ડની બેઠકમાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એવો આક્ષેપ કર્યો છે કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ થયા હતા. ડોક્ટરોએ ભેગા મળી કરોડો રૂપિયા સેરવી લીધા હતા. વધુમાં ડો. પારુલ શાહ તપાસ કમિટીમાં છે પરંતુ તેમણે જ એસ-4 રિસર્ચ સાથે ક્લિનિકલ ટ્રાયલ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા માટે તેમને તપાસ કમિટીમાંથી દૂર કરવાની માગણી છે.
બોર્ડ મિટિંગમાં, કમિશનરે કહ્યું કે વીએસ હોસ્પિટલ ખાતે ક્લિનિકલ ટ્રાયલ માટે કોઈ એથિકલ કમિટી નથી. માહિતી મુજબ ચાર ખાનગી હોસ્પિટલોની એથિકલ કમિટી સાથે કરાર થયો છે. મ્યુનિ. બોર્ડની બેઠકમાં ચર્ચા દરમિયાન કમિશનરે ઉલ્લેખ કર્યો હતો કે, ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલના નિયમ પ્રમાણે એક એથિકલ કમિટી રચવી પડે છે.
આપણ વાંચો: સૌરાષ્ટ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર વોટ્સએપ પર લીક થયું, કેન્દ્ર બંધ કર્યું…